• Gujarati News
  • 38 Thousand Employees To Cut Purse Was Impersonating Manapana

મનપાના કર્મચારીના સ્વાંગમાં ગઠિયો ૩૮ હજાર લઇ ગયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મકાનવેરાના નામે વેપારીના ઘરે જઈ ઉઘરાણું કરી લીધું

મનપામાં નોકરી અપાવી દેવાની લાલચ આપી પૈસા ઉઘરાવતો એક ગઠિયો ગઈકાલે ઝડપાયા બાદ આજે એવા એક ગઠિયાએ એક વેપારીના ઘરે જઈ પોતાને મનપાનો કર્મચારી ગણાવી મકાન વેરાના ૩૮,૦૦૦ રૂપિયા ઉઘરાવી લીધા હતા.

નાનામવા રોડ પર આવેલ તાપસ સોસાયટીમાં રહેતા કૃષ્ણકુમાર સાવલિયા નામના લેઉવા પટેલ વેપારીના ઘરે ગત તા. ૨૮ના રોજ રાત્રે ૮:૩૦ વાગ્યાના અરસામાં એક શખ્સ ગયો હતો. એ શખ્સે કૃષ્ણકુમારના કાકી ક્રિષ્ણાબેન સાવલિયાને પોતે મહાનગરપાલિકાનો કર્મચારી હોવાની ઓળખાણ આપી અને મકાન વેરાના બાકી પૈસા લેવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું.

એ સમયે ઘરમાં માત્ર મહિલા સભ્યો જ હતા. ગઠિયાએ પૈસા માગતા ક્રિષ્ણાબેને તેમના ભત્રીજા કૃષ્ણકુમારને ફોન જોડી તેમની સાથે એ ગઠિયાને વાત કરાવી હતી. ગઠિયાએ મકાનવેરાના બાકી પૈસાની વાત કરતાં કૃષ્ણકુમારે પોતે બીજા દિવસે પૈસા ભરી જશે એવું કહ્યું હતું.

ત્યારબાદ ગઠિયાએ ફોન કટ કરી નાખ્યો હતો. જાણે કે, વાર્તાલાપ ચાલુ જ હોય તે રીતે, ‘ના...ના... અત્યારે ચા પાણી નથી પીવા માત્ર પૈસા લઈને નીકળી જવું છે.’ તેઓ દેખાવ કર્યો હતો. ત્યારબાદ ફોન પરત કરી તેણે કહ્યું હતું કે, કૃષ્ણકુમારે રૂપિયા ૩૮ હજાર લઈ જવાનું કહ્યું છે.

ગઠિયો સારા વસ્ત્રોમાં સજજ હતો અને તેણે કરેલા નાટકને સાચું માની ક્રિષ્ણાબેને તેને ૩૮ હજાર રૂપિયા આપી દીધા હતા. બાદમાં વેપારી કૃષ્ણકુમાર ઘરે આવ્યા ત્યારે સમજાયું હતું કે, કોઈ ચિટર તેમની સાથે ઠગાઈ કરી ગયો છે. આ બનાવને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘરના સીસીટીવી કેમેરામાં ગઠિયો કેદ થઈ જતાં તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મનપા સાથે સંબંધ ધરાવતાં વ્યવહારોમાં સતત બીજા દિવસે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં ભારે ચકચાર ફેલાઈ છે.