રાજ્યમાં ૩૬ કલાકમાં છુટોછવાયો ભારે વરસાદ પડવાની સંભાવના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં મેઘવિરામને પગલે ભારે ચિંતા પ્રસરી છે. ત્યારે ૩૬ કલાકમાં રાજ્યમાં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના દર્શાવાઇ છે. આજે આકાશમાં વાદળોની હાજરી રહી હતી અને બેફામ બફારો અનુભવાયો હતો. છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર-કચ્છ ચાતકડોળે વરસાદના બીજા રાઉન્ડની રાહમાં છે.

પરંતુ બંગાળની ખાડીમાં કોઇ સિસ્ટમ નહીં સર્જાવાને કારણે મેઘરાજાની કૃપા વરસતી નથી. આજે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આવતીકાલે રાજ્યમાં કેટલાક સ્થળે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાભાગના જિલ્લાઓમાં કાલે કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કેટલાક સ્થળે ગાજવીજ સાથે જોરદાર ઝાપટાંની પડવાની પણ શક્યતા દર્શાવાઇ છે.

હવામાન વિભાગના અવલોકન મુજબ અત્યાર સુધી હિમાલયની તળેટીએ પ્રવર્તમાન મોન્સૂન ટફ હવે પોતાની મૂળ સ્થિતિમાં આવતું જાય છે. જે ગંગાનગર અને આસનસોલ વચ્ચેની મૂળ સ્થિતિમાં આવે ત્યારે ફરી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાય. હાલ ગુજરાતની આસપાસ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર હવાનું હળવું દબાણ કેન્દ્રીત થયું છે. જેને પગલે રાજ્યમાં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના દર્શાવાઇ રહી છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ જોરદાર રહ્યો હતો. વાવણી સમયસર થઇ ગઇ છે પરંતુ હજુ પીવાના પાણીની સમસ્યા હળવી બની નથી. વરસાદનો બીજો ધીંગો રાઉન્ડ આવે તો હવે જળાશયોમાં પાણીની આવક થાય અને વાવેતર બાદ પાણીની ખેડૂતોની ચિંતા પણ દૂર થાય.જુલાઇમાં ચોમાસું જામતું હોય છે ત્યારે આવતીકાલથી ફરી ચોમાસું પોતાનો અસ્સલ રંગ બતાવે તેવી આશા સેવાઇ રહી છે.

- છ દિવસ સુધી સારા વરસાદના સંકેત

અમરેલીના પીપળલગમાં રહેતા પ્રગતિશીલ ખેડુત અને ખગોળશાસ્ત્રી તેમજ વનસ્પતી આધારિત વરસાદની આગાહી કરતા ધીરજલાલ ઠુંમરે વરસાદની ટુંકી આગાહી કરી છે. ધીરજલાલ ઠુંમરે જણાવ્યુ હતુ કે છેલ્લા ત્રણ દિવસથી સુરીયો પવન આચંકાનો આવવાથી તેમજ પુર્વ બાજુથી રાત્રે લીસા કસનુ પડ આવવાથી તેમજ આજ દિવસ ઉગતા તેતર પંખી કસ થયેલ હોવાથી હવામાન ધુંધળુ તેમજ રાત્રે બહુ ભેજ વધ્યો છે. આ ઉપરાંત વનસ્પતી જેવા કે વાંસના કોટા, વડની વડવાઇ, નોળીવેલ, લીમડાના ગળો વગેરેના વેલા વધવાથી તેમજ કદાચ દરિયામાં દબાણ થવાના સંકેતો રહેલા છે. ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારેથી અતભિારે વરસાદના સંકેતો તા. ૪ થી ૭ સુધીમાં હોવાનુ જણાવ્યુ છે.