સૌરાષ્ટ્રમાં સિંચાઇ વિભાગના ૪૧ ડેમમાંથી ૩૩ લાખ ટન કાંપ કઢાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાચા સોના જેવો કાંપ લઇ જવા ખેડૂતોનો ભારે ધસારો
સિંચાઇ ખાતા હસ્તકના રાજકોટના ૧૭, જામનગરના ૧૨, જૂનાગઢના ૬ સહિ‌ત ૪૧ ડેમમાંથી કાપ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કુલ ૪૧ પૈકી ૩૬ ડેમમાંથી સિંચાઇ ખાતા દ્વારા અને ૨ ડેમમાંથી ખાનગી ધોરણે કાંપ કાઢી ખેડૂતોના ખેતરમાં પથરાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં ૨૧,૨૭,પ૦૦ ઘનમીટર (૩૩ લાખ ટન) કાળી માટી ખોદી નાંખી ડેમની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.
કાચા સોના જેવો કાંપ ડેમમાંથી લઇ જવા માટે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ધસારો કર્યો છે. પ્રત્યેક માગણીદાર નિ:શુલ્ક ટ્રેક્ટરો ભરી માટી લઇ જઇ રહ્યા છે. સિંચાઇ ખાતાના ડેમોની સંગ્રહ ક્ષમતા વધવાના કારણે આસપાસના વિસ્તારમાં તળ ઊંચા આવશે. ખેડૂતોને વધુ પાણ આપી શકાશે તેમ રાજકોટ સિંચાઇ વર્તુળના અધિક્ષક ઇજનેર આર.એમ.પીપળિયાએ જણાવ્યું હતું.
ડેમનો રકાંપ ખેતરોમાં પથરાતા ખેતી પણ સમૃધ્ધ થશે. સરકારે ડેમમાંથી કાંપ કાઢવાની જાહેરાત કર્યા બાદ ૪૧ ડેમ પૈકી ૧૪ ડેમમાંથી તો ખાનગી ધોરણે એટલે કે ખેડૂતો દ્વારા જ કાળી માટી કાંપ કાઢવામાં આવી રહ્યો છે.
૪પ૦૦ હેક્ટર જમીનને સિંચાઇ પ્રાપ્ત થશે
સૌરાષ્ટ્રમાં સિંચાઇ ખાતા હસ્તકના ડેમોમાંથી કાંપ કાઢવાની કામગીરી પૂર્ણ થયે ૪૧ સિંચાઇ ડેમોની સંગ્રહ ક્ષમતામાં ૨૮૦ થી ૩૦૦ મિલિયન ઘનકૂટ (૧૮૭૧ મિલિયન ગેલન)નો વધારો થશે જેના કારણે ૪પ૦૦ હેક્ટર જમીનને જરૂર પડયે ખેતી માટે બે થી ત્રણ પાણ વધુ આપી શકાશે.
૧૪ ડેમમાં ખેડૂતો પોતે જેસીબી થી કાંપ કાઢે છે
સિંચાઇ ખાતા દ્વારા કાંપ કાઢવાની શરૂઆત કરવામાં આવ્યા બાદ ૧૪ ડેમમાંથી ખેડૂતો પોતે જ પોતાની રીતે જેસીબી ચલાવી માટી કાઢી રહ્યા છે અને આ માટી પોતાના તેમજ અન્ય ખેડૂતોના ખેતરોમાં ઠાલવી રહ્યા છે. રાત-દિવસ ધમધમતા આ જેસીબીને કારણે ડેમ ઝડપથી ઊંડા થઇ રહ્યા છે.