• Gujarati News
  • 18 Crore Cash Found In Rajkot Ahmedabad Highway Latest News

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટ્રકમાંથી 18 કરોડ રોકડા મળ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસીવરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ કરવા માટે કરવામાં આવ્યો છે)
- અમદાવાદ ઇન્કમટેક્સ યુનિટ-1ની ટીમે લીંબડી પાસે પાર પાડેલા ઓપરેશનમાં આવી જંગી રકમ મળતા ખળભળાટ
- બાતમીના આધારે ટીમ પહેલેથી હાઇવે પર વોચમાં હતી
- ટ્રકમાં અન્ય સામાન નીચેથી રોકડ રકમ છુપાવેલી હાલતમાં મળી આવી, સ્ફોટક વિગતો સંભવિત

રાજકોટ: રાજકોટ-અમદાવાદ હાઇવે પર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી આસપાસ અમદાવાદ ઇન્કમટેક્સ યુનિટ-1ની ટીમે દરોડો પાડી એક ટ્રકમાંથી 18 કરોડ રૂપિયા જપ્ત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના અંગે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ મૌન સેવી લીધું છે. સંભવત: આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. આ રકમ કોની છે તે બાબતે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રોકડા રૂપિયા કાયદેસરના છે, હવાલાના છે કે પછી આંગડિયાના, તે સંદર્ભે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રકના ચાલકની પણ પૂછતાછ કરવામાં આવી છે.

કેટલીક સ્ફોટક વિગતો મળી હોવાનું પણ આયકરના સૂત્રો જણાવી રહ્યા છે, પરંતુ ઇન્કમટેક્સના જે અધિકારીઓએ દરોડો પાડ્યો હતો તે તમામના મોબાઇલ ફોન સ્વિચઓફ હતા અને કચેરી ખાતેથી પણ કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી. વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે કે, અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી કરોડો રૂપિયા ભરેલી ટ્રક પસાર થવાની છે, આથી ઇન્કમટેક્સના અધિકારીઓએ આ ટ્રક રોકીને તલાશી લેતાં તેમાંથી અન્ય સામાનની નીચે છુપાવીને રાખેલા રૂ.18 કરોડ મળી આવ્યા હતા.

કોથળાં ભરીને રોકડ રકમ મળતા આયકરના અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. રોકડ રકમ જપ્ત કરીને અમદાવાદ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળે છે. એક વાત એવી પણ ચર્ચામાં હતી કે, પોલીસે ટ્રક રોક્યા બાદ તેમાંથી રોકડ રકમ મળતા ઇન્કમટેક્સને જાણ કરી હતી. જો કે, અમદાવાદ ઇન્કમટેક્સના અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતા. ટ્રક રાજકોટ તરફ આવી રહ્યો હતો ત્યારે આ રકમ રાજકોટના કોઇ ઉદ્યોગપતિ કે વેપારીની છે કે કેમ તે સંદર્ભે અનેકવિધ ચર્ચાઓ શરૂ થઇ છે.
આગળ વાંચો, રાજકોટમાં સીએ, આર્કિટેક્ટ સહિત ત્રણ સ્થળે આઇ.ટી.ના દરોડા, બુલિયનના મોટા ગજાના વેપારીને ત્યાં ટીડીએસની તપાસ