ભાદર નદીમાં પૂર આવતાં મૃતકના પરિવારે પટમાં બેસણું રાખ્યું, પુલ બનાવવાની માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણપુર તાલુકાના દેવળીયા ગામની વસતી અંદાજે 6000ની આસપાસ છે. ત્યારે આ ગામમાં લોકોને પ્રવેશવા માટે ધંધુકા રાણપુર મેઇન હાઇવેથી ગામની અંદર આવવા લોકોને ભાદર નદી ઓળંગીને આવવું પડે છે. ત્યારે છેલ્લા 2-3 દિવસથી ઉપરવાસમાં વરસાદને લઇ આ નદીમાં પૂર આવતા ગામ પટેલ વૃદ્ધનું અવસાન થતાં પરિવારના સભ્યોએ નદીના પટમાં બેસણું રાખવાની ફરજ પડતા ગામલોકો અને બેસણામાં આવતા લોકોની હાલત કફોડી બની હતી.

દેવળીયા ગામના પટેલ પરિવારના પ્રેમજીભાઇ સવજીભાઇનું અવસાન તા.26/9/19 ના થતાં તેમનું બેસણું તા.28 સપ્ટેમ્બર ને શનિવારના રોજ તેમના નિવાસ સ્થાને રાખ્યું હતું પરંતુ છેલ્લા 2 દિવસથી ઉપરવાસમાં વરસાદને લીધે ગામના પાદરમાંથી પસાર થતી ભાદર નદીમાં પૂર આવતા બેસણામાં આવતા લોકોને આ નદી ઓળંગી ગામમાં આવવું ખુબ મુશ્કેલ હોવાથી પ્રેમજીભાઇના પરિવારના સભ્યોએ બેસણામાં આવનાર સગાં-સંબંધીઓ અને સ્નેહીજનોને અગવડ ન પડે તે માટે પોતાના નિવાસ સ્થાનની જગ્યાએ નદી ઓળંગી નદીના પટમાં બેસણું રાખ્યું હતું. આ પરિસ્થિતિ જોઇ બેસણામાં આવતા લોકો અને ગ્રામજનો નદી ઉપર પૂલ ન બનાવતા હોવાના લીધે તંત્ર સામે રોષે ભરાયા હતા. આ અંગે મૃતક પરિવારના ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારા ગામમાં ચોમાસામાં લોકો પ્રવેશવા માટે ફરજીયાત આ નદીમાં થઇને પસાર થવું પડે છે અને જ્યારે નદીમાં પૂર આવે ત્યારે ગામ સંપર્ક વિહોણું બની જાય છે. ત્યારે ગામમાં આકસ્મિક બનાવ બને ત્યારે લોકોને સારવાર માટે કોઇ વિકલ્પ ન રહેતા લોકો મુશ્કેલીમાં મુકાય છે. આ ભાદર નદી ઉપર પુલ બનાવવા માટે તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં આઝાદીના આટલા વર્ષો વીતી જવા છતાં હજુ સુધી આ નદી ઉપર તંત્ર દ્વારા પુલ ન બનાવતા ગ્રામજનો ચોમાસામાં વારંવાર મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પુલ બનાવાય તેવી અમારી માંગ છે.

પુલ બનાવવાની વર્ષો જુની માગ સંતોષાતી નથી. તસવીર કેતનસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...