પોરબંદરમાં પાણી સમસ્યા : હવે ટેન્કર ભરોસે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉંચાણવાળા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉદભવે નહીં તે માટે અલગ-અલગ સ્થળોએ ૨૯ જેટલી પાણીની ટાંકીઓ મૂકવામાં આવી
- ઉનાળાના પ્રારંભથી જ પાણી પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે પરિસ્થિને પહોંચી વળવા પાલિકાએ ૨૧ જેટલી પાણીની ટાંકીઓ ખરીદી

પોરબંદર શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવી હતી. પોરબંદરને જરૂરીયાત મુજબનું પાણી મળતું નહીં હોવાથી ઉંચાણવાળા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની હતી. જેને પહોંચી વળવા માટે નગરપાલિકાએ શહેરના અલગ-અલગ ૨૯ સ્થળોએ પાણીની ટાંકી મુકી છે. જેમાં ટેન્કરો મારફત પાણી પુરૂં પાડવામાં આવે છે. નિયમીત અઢી થી ત્રણ લાખ લીટર જેટલું પાણી ટેન્કરો દ્વારા પુરૂં પાડવામાં આવે છે.

સામાન્ય રીતે ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની તંગી વધુ પડતી જોવા મળે છે અને ત્યાં ટેન્કરો દ્વારા પાણી પુરૂં પાડવામાં આવે છે. પરંતુ આ વર્ષે પોરબંદર શહેરમાં પણ પાણીના ટેન્કરો દોડી રહ્યા છે. કારણ કે ઉનાળાના પ્રારંભે જ શહેરની જરૂરીયાત મુજબનું નવ એમ.એલ.ડી. પાણી ન મળતું હોવાને કારણે અનિયમીત અને અપુરતું પાણી ઉંચાણવાળા વિસ્તારોમાં મળતું હતું. જેને કારણે પાણીનો પ્રશ્ન વિકટ બન્યો હતો અને અલગ-અલગ વિસ્તારની મહિ‌લાઓ પાણી પ્રશ્ને નગરપાલિકાની કચેરીએ મોરચો લઈને પહોંચી જતી હતી.

હાલ નિયમીત પાણી આપવામાં આવી રહ્યું છે. તેમ છતાં ઉંચાણવાળા વિસ્તારોમાં ૧પ થી ૨૦ મિનીટ પાણી મળે છે અને ઉનાળાના કારણે પાણીનો વપરાશ પણ વધુ પડતો હોવાથી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નગરપાલિકાએ ૨૧ જેટલી પ્લાસ્ટીકની ટાંકીની ખરીદી કરી છે અને જરૂરીયાતવાળા ૨૯ જેટલા વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે. હાલ એક ટેન્કર, ત્રણ ટેન્કર અને ત્રણ ફાયર ફાઈટરના બંબા પણ ઉપયોગમાં લેવામાં આવે છે જેના મારફતે આ પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે.

પોરબંદર શહેરમાં વર્ષો બાદ પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે. જેના કારણે હાલ પુરતું પાણી નહીં મળવાને કારણે લોકોની સમસ્યા વધી છે. નગરપાલિકા દ્વારા નળવાટે પણ પાણી પુરૂં પાડવામાં આવે છે. આ ઉપરાંત ટેન્કરો પણ દોડાવવામાં આવે છે. તેમ છતાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી નથી મળતું તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે.