ધુમ્મસને કારણે ઉપરાષ્ટ્રપતિ ન પહોંચી શક્યા પોરબંદર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધુમ્મસના કારણે દિલ્હીમાં એરફોર્સનું વિમાન બપોર સુધી ઉડાન ભરી શક્યું નહીં

દેશના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી આજે ગાંધીભૂમિ પોરબંદરની મુલાકાતે આવવાના હતા અને કીર્તિ મંદિર તેમજ આર્યકન્યા ગુરૂકુળના અમૃત મહોત્સવના સમાપન સમારોહમાં હાજરી આપવાના હતા. પરંતુ દિલ્હીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે એરફોર્સનું વિમાન ઉડાન ભરી નહીં શકતા ઉપરાષ્ટ્રપતિનો પોરબંદરનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

પોરબંદરમાં શૈક્ષણિક સંસ્થા આર્યકન્યા ગુરૂકુળના અમૃત મહોત્સવ તેમજ સંસ્થાપક નાનજી કાલીદાસ મહેતાના ૧૨૫ મા જન્મોત્સવની પુણૉહૂતિ સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ખાસ ઉપસ્થિત રહેવાના હતા. આજરોજ બપોરના ૧૨:૫૫ કલાકે ઉપરાષ્ટ્રપતિ પોરબંદરની મુલાકાત આવવા હતા. અને પ્રથમ ગાંધી જન્મ સ્થળની મુલાકાત લીધા બાદ આર્યકન્યા ગુરૂકુળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા.

પરંતુ સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ હોવાના કારણે એરફોર્સનું વિમાન ઉડી ભરી શકે તેમ ન હતું. અને બપોરના એક-બે વાગ્યા સુધી ધુમ્મસ હળવું થાય તેમ ન હોય, આથી આ તમામ બાબતોને ધ્યાને લઈને ઉપરાષ્ટ્રપતિનો પોરબંદરનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિના આગમન પૂર્વે જ પોરબંદરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ બપોરના ૧૨ વાગ્યા આસપાસ ઉપરાષ્ટ્રપતિનો કાર્યક્રમ રદ થયાનું જિલ્લા કલેક્ટર સેવકે જણાવ્યું હતું.