• Gujarati News
  • Veraval Laptop Coranara Men Porabandaramanthi Jhadapaya

વેરાવળમાંથી લેપટોપ ચોરનાર શખ્સો પોરબંદરમાંથી ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લોકલ ક્રાઈમ બ્રાન્ચે વેરાવળ ઉપરાંત રાણાવાવ અને કલ્યાણપુરની ચોરીનો પણ ભેદ ઉકેલ્યો

પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા બે શખ્સોની અટકાયત કરી હતી અને તેમની આગવી ઢબે પુછપરછ કરતા તેમણે વેરાવળના જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી લેપટોપની ચોરી કબુલી હતી આ ઉપરાંત રાણાવાવમાંથી ટ્રકમાંથી બેટરી ચોરી તેમજ કલ્યાણપુરના હર્ષદ ગામેથી બોટના મશીનની ચોરીનો પણ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. સરવૈયા સહિતનો સ્ટાફ ચુનાના ભઠ્ઠા પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે દરમિયાન પોરબંદરના જૂના કુંભારવાડા વિસ્તારમાં રહેતો શકિલ ઉર્ફે શકલો સુમરાભાઈ શમા તથા ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા અસગર ઉફeે કાલો ઉમરા સેતાની શંકાના આધારે અટકાયત કરી હતી. અને તેમની આગવી ઢબે પુછપરછ કરતા તેમણે દોઢ માસ પૂર્વે વેરાવળની જી.આઈ.ડી.સી. માં આવેલ શબ્બીર સી ફૂડ નામની વખારમાંથી રૂ. ૨૫ હજારની કિંમતના લેપટોપની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

આ ચોરીમાં પોરબંદરના શાહનવાઝ હનીફ મલેક અને મોહસીન દાઉદ પણ સામેલ હોવાનું જણાવતા પોલીસે આ શખ્સોની પણ શોધખોળ આદરી છે. પકડાયેલા શકિલ ઉર્ફે શકલો અને અસગર ઉર્ફે કાલાએ અગાઉ રાણાવાવ નજીક પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરી તેમજ અન્ય મશીનરીના સ્પેર પાર્ટની ચોરી કરી હતી. આ ઉપરાંત હર્ષદ-મિંયાણી ગામે બોટના મશીન નંગ બે-કિં. રૂ. એક લાખની ચોરી કરી હોવાની કેફીયત આપી હતી. જો કે આ કેસમાં આ બન્ને આરોપી ફરાર હતા જેથી ત્યાં પણ પલીસને જાણ કરી છે.

- મોટી ચોરીનો પણ ભેદ ટૂંક સમયમાં ઉકેલાશે

પોરબંદર શહેરમાં છેલ્લા એક માસમાં બે થી ત્રણ જેટલી મોટી ચોરી થઈ હતી. આ ચોરીનો ભેદ ઉકેલવા પણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દોડધામ શરૂ કરી છે. આ ચોરીના આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે અને ટુંક સમયમાં જ મોટી ચોરીનો ભેદ ઉકેલાશે તેવું જાણવા મળે છે.