આજે વલસાડ એપીએમસીની ચૂંટણી, સહકારી ક્ષેત્રમાં ઉત્તેજના

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂત મતવિભાગની આઠ અને વેપારી મતવિભાગની ચાર બેઠકો માટે વર્તમાન ચેરમેન અરવિંદ પટેલ અને ડુંગરીનાં સમીર પટેલની પેનલ વચ્ચે ચૂંટણી જંગ
વલસાડ તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ની વ્યવસ્થાપક સમિતિની ગુરૂવારે યોજાનારી ચૂંટણી માટે સહકારી ક્ષેત્રે ભારે ઉત્તેજના વ્યાપી ગઇ છે. ખેડૂત મતવિભાગની આઠ અને વેપારી મતવિભાગની ચાર સહિ‌ત ૧૨ બેઠકો માટે કુલ ૨૪ ઉમેદવારો મેદાનમાં હોવથી ચૂંટણી અનિવાર્ય બની હતી. આ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન અરવિંદ પટેલ અને સમીર પટેલની પેનલ વચ્ચે રસાકસી થશે.
વલસાડ એપીએમસીની ચૂંટણીને લઇ છેલ્લા એક માસથી સ્થાનિક સહકારી આલમમાં ખાસ્સી ચહલ પહલ રહી હતી. ૨૧ માર્ચે ચૂંટણી યોજવા માટે જાહેરનામુ બહાર પડયા બાદ ૭ માર્ચે ઉમેદવારી પત્રો ભરાયાં હતાં. ૧૧ માર્ચે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિને સહકારી ખરીદ વેચાણ મંડળી મતવિભાગની બે બેઠકો માટે ભરાયેલા ૩ પૈકી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા આ મત વિભાગના ઉમેદવાર વર્તમાન ચેરમેન અરવિંદ પટેલ અને વસનજી નાયક બિનહરિફ જાહેર થયાં હતાં. હવે ખેડૂત મતવિભાગની ૮ બેઠકો માટે ૧૬ અને વેપારી મતવિભાગની ૪ બેઠકો માટે ૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
આ ચૂંટણીમાં ચેરમેન અરવિંદ પટેલ અને સમીર પટેલની પેનલ સામસામે હોવાને લઇ ચૂંટણી રસપ્રદ બની રહેશે. ગુરૂવારે સવારે ૯ થી સાંજે પ દરમિયાન એપીએમસી ખાતે મતદાનની પ્રક્રિયા જિલ્લા રજિસ્ટ્રાર એચ.સી. ચૌધરીની ઉપસ્થિતિમાં હાથ ધરાશે. ખેડૂત મતવિભાગ અને વેપારી વિભાગ માટે થનારી ચૂંટણીને લઇ તાલુકાનાં સહકારી વિભાગમાં ઉત્કંઠાનો માહોલ સર્જા‍યો છે.
અરવિંદ પટેલની પેનલનાં ઉમેદવારો
ખેડૂત મતવિભાગમાં અરવિંદ પટેલની પેનલમાં ગણપત ઇશ્વરભાઇ પટેલ, અશ્વિન પટેલ, જશવંતસિંહ ઠાકોર, ધીરૂ ગુલાબભાઇ પટેલ, સુનિલ ઉર્ફ ડાહયાભાઇ રામભાઇ પટેલ, કિશોર ભીખુભાઇ પટેલ, મોહનલાલ પટેલ અને ભરત ગાંડાભાઇ પટેલ તથા વેપારી મતવિભાગમાં જયંતિલાલ પટેલ, સમીર મપારા, ભંવરલાલ શાહ, દેવેન્દ્ર પટેલ
સમીર પટેલની પેનલનાં ઉમેદવારો
ખેડૂત મતભિાગમાં સમીર પટેલ (ડુંગરી)ની પેનલમાં નરેશ ભેંકાભાઇ પટેલ, ધીરૂ પૂનાભાઇ પટેલ, ઉત્તમ પટેલ, હસમુખ પટેલ, બાબુ પટેલ, ઝવેર આહિ‌ર, સુરેશ પટેલ,સમીર પટેલ અને વેપારી મતવિભાગમાં દિનેશચંદ્ર ભાનુશાલી, અમીન ડાંગ, અરૂણકુમાર ત્રિપાઠી અને કિશોર મૂલજીભાઇ ભાનુશાલી