ધુમ્મસથી ઘઉં - જીરૂના પાકમાં નુકસાનની ભિતી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઘેડ પંથકમાં સતત થઇ રહેલી ઝાકળ વર્ષાથી ધરતીપુત્રો ચિંતામાં : પાકમાં ગેરૂ નામનો રોગ આવતાં શિયાળુ પાકમાં ધરખમ ઘટાડો
- શિયાળુ પાકને બચાવવા ખેડૂતોની મથામણ : મોઢે આવેલો કોળીયો ઝૂંટવાઇ જવાની ચિંતા


પોરબંદર તાલુકાનાં આવેલ માધવપુર ઘેડ પંથક સહિત અન્ય આવેલા ઘેડના ગામોમાં શિયાળુ પાકનું ખુબ સારા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. અને શિયાળુ પાક પણ તૈયાર થવાની તૈયારીમાં છે. ત્યાં જ છેલ્લા એક અઠવાડીયાથી સતત ઝાકળવર્ષા શરૂ થતાં ખાસ કરીને ઘઉં અને ઝીરૂના પાકને જબરૂ નુકસાન થવાની ખેડૂત વર્ગના લોકો ભીતી સેવી રહ્યા છે. અને મોઢે આવેલો કોળીયો ઝુંટવાઈ જવાની ચિંતાની લાગણી ધરતી પુત્રોમાં જોવા મળી રહી છે.

માધવપુર નજીકના આવેલા ઘેડનાં ગામોમાં માધવપુર, મુળ માધવપુર, ગુંદારી, આંત્રોલી, આજક, વાડલા, મેખડી, થલી, સરસાલી, ખીરસરા ઘેડ, મંડેર, ઘોડાદર, સરમાં, સાંઢા, સામરડા, બગસરા, અમીપુર અને મૈયારી અને ગરેજ ઘેડ સુધીના ગામોમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

પાક તૈયારીમાં આવતા માધવપુર ઘેડ પંથકમાં છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલ સતત ઝાકળવર્ષાને કારણે ખાસ કરીને ઘઉં અને જીરૂના પાકને જબરૂં નુકસાન થવાની ખેડૂતોએ ભીતી દર્શાવી છે. અને આ પાકને બચાવવા દવાનો છંટકાવ કરવા સહિત અન્ય ઉપાયો શોધવા ઘેડ પંથકના ખેડૂતોને ઉંધા માથે થવાનો વખત આવ્યો છે.

આમ તો માધવપુર પંથકમાં છેલ્લા ઘણાં સમયથી ઝાકળવર્ષા થઈ રહી છે. પરંતુ તેની સામે ખેડૂતોને જરા પણ વાંધો ન હતો. પરંતુ પાક તૈયારીમાં આવતા તૈયાર થયેલા પાકને સતત ઝાકળવર્ષાના મારાથી ઘઉંના તૈયાર થયેલા પાકમાં ગેરૂ નામનો રોગ ઉત્પન્ન થવાની ભીતી છે.

આ રોગ આવવાથી ઘઉંનો દાણો જીણો અને વરીયાળી જેવો બની જવાના કારણે ઘઉંના પાકમાં ધરખમ ઘટાડો થવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેમજ જીરૂ પાકને ઝાકળ વર્ષાના લીધે જબરૂ નુકસાન વેઠવું પડે છે. જેથી માધવપુર પંથકમાં એક અઠવાડીયાથી સતત થઈ રહેલા ઝાકળવર્ષાના લીધે ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે. અને મોઢે આવેલો કોળીયો ઝુંટવાઈ જવાની ચિંતામાં લાગણીગ્રસ્ત છે.