રાણા કંડોરણામાંથી સ્ફોટક પદાર્થ સાથે રાજસ્થાની ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર એસ.ઓ.જી. એ ૧૯૮ નંગ ઈલેક્ટ્રીક ડીટોનેટર, ૯ કિલો એમોનીયમ નાઈટ્રેટ પાઉડર સહિ‌તનો મુદ્દામાલ કબ્જે કર્યો

પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ગામે મુળ રાજસ્થાની શખ્સ પાસે સ્ફોટક પદાર્થ હોવાની બાતમીના આધારે પોરબંદર એસ.ઓ.જી. એ આજે મોડી સાંજે દરોડો પાડયો હતો. એ દરમિયાન આ રાજસ્થાની શખ્સ પાસેથી ઈલેક્ટ્રીક ડીટોનેટર નંગ ૧૯૮, એમોનીયમ નાઈટ્રેટ પાઉડર નવ કિલો, એક ડાયનેમો અને બે વાયરના બંડલ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ શખ્સને દબોચી લઈને તેમની પુછપરછ હાથ ધરી છે. પુછપરછ દરમિયાન રાણાવાવના અન્ય એક શખ્સનું પણ નામ બહાર આવ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવ તાલુકાના રાણા કંડોરણા ગામે સીમમાં રહેતા પ્રભુરામ ભબતરામ ચોકીદાર (રહે. હર્ષ ગાંવ, જિલ્લો-જોધપુર) નામના શખ્સ પાસે સ્ફોટક પદાર્થનો જથ્થો હોવાની બાતમી એસ.ઓ.જી. ના પી.આઈ. એમ.એમ. લાલીવાલાને મળતા તેઓએ તુરંત જ સ્ટાફ સાથે રાણા કંડોરણાની સીમમાં દરોડો પાડયો હતો.

એ દરમિયાન પ્રભુરામ ચોકીદારને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી હતી અને તેના કબજામાંથી ઈલેક્ટ્રીક ડીટોનેટર નંગ ૧૯૮, એમોનીયમ નાઈટ્રેટ પાઉડર નવ કિલો, એક ડાયનેમો અને બે વાયરના બંડલ સહિ‌તનો જથ્થો મળી આવ્યો હતો. જેનો પોલીસે કબ્જો લીધો હતો અને આરોપીની પણ અટકાયત કરી હતી.આ શખ્સને પોરબંદર લાવ્યા બાદ પુછપરછ કરતા તેમણે એવું જણાવ્યું હતું કે, રાણાવાવના સંજય હરી ફળદુ નામના શખ્સ પાસેથી ઈલેક્ટ્રોનિક ડીટોનેટર, એમોનીયમ નાઈટ્રેટ પાઉડર સહિ‌તનો માલસામાન ખરીદ્યો હોવાની કબુલાત આપતા પોલીસે આ શખ્સની પણ શોધખોળ આદરી છે.

આટલી માત્રામાં સ્ફોટક જથ્થો અને ડાયનેમો તથા વાયર મળી આવતા આ શખ્સનો ઈરાદો શું હતો ? તે સહિ‌તની પોલીસે પુછપરછ હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં સ્ફોટક પદાર્થ મળી આવતા પોરબંદર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. ના પી.આઈ. એમ.એમ. લાલીવાલા ઉપરાંત પી.એસ.આઈ. ચૌધરી તેમજ એ.એસ.આઈ. વલીભાઈ, નારણભાઈ, મેરામણભાઈ અને કુલદિપસિંહ, અરજનભાઈ, હરેશભાઈ, અજયસિંહ, મહેબુબખાન, યુવરાજસિંહ, કેશુભાઈ સહિ‌તનો સ્ટાફ જોડાયો હતો.