તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓખાનાં માછીમારોનેમાધવપુરનાં સીમાડે આવતા અટકાવો : વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દરિયામાં એક સાથે 60 થી 70 જેટલી બોટોનું ઝુંડ માછીમારી માટે નિકળે છે
- લાઇન ફિશીંગ ઝોન પદ્ધતિ અટકાવવા પોરબંદરનાં માછીમારો દ્વારા માંગ

પોરબંદર: ફિશીંગ ટ્રોલરોને માછીમારીની પરવાનગી આપવા સામે તાજેતરમાં જ પોરબંદર સહિત દેશભરના માછીમારોએ ઉગ્ર વિરોધ પણ કર્યો હતો અને બંધ પણ પાડ્યો હતો. હજુ આ વિવાદ શમ્યો નથી ત્યાં ઓખાના માછીમારોની લાઈનીંગ ફિશીંગ ઝોન પદ્ધતિનો પોરબંદરના માછીમારોએ ઉગ્ર વિરોધ કર્યો છે. કારણ કે ઓખાથી લઈને માધવપુર સુધીના દરિયામાં આ પ્રકારે માછીમારી થતી હોય જેને કારણે પોરબંદરના નાના-મોટા માછીમારોને માછલીનો જથ્થો મળતો નથી.

સામાન્ય રીતે લાઈનીંગ ફિશીંગ ઝોન પદ્ધતિથી માછીમારી નહીં કરવાનો નિર્ણય સૌરાષ્ટ્રના માછીમારોએ કર્યો છે તેમ છતાં ઓખા બંદરેથી નિકળતી બોટો લાઈનીંગ ફિશીંગ ઝોન પદ્ધતિથી છેલ્લા કેટલાક સમયથી માછીમારી કરી રહ્યા છે અને આ પદ્ધતિથી કરવામાં આવતી માછીમારીની સૌથી મોટી અસર પોરબંદરના માછીમારોને થતી હોય છે. આજે નાની-મોટી બોટોના માલિકો પોરબંદર બોટ એસોસીએશનની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં રજૂઆત માટે દોડી આવ્યા હતા.

અને બોટ એસો. ના પ્રમુખ નરશીભાઈ જુંગી અને વેલુભાઈ મોતીવરસ સામે એવી રજૂઆતો કરી હતી કે, ઓખાથી એકીસાથે 60 થી 70 જેટલી બોટો માછીમારી કરવા માટે નિકળે છે અને ક્રમશ: 10 થી 15 જૂથ આવા નિકળતા હોય, જેને કારણે અન્ય બોટો માછીમારી કરી શકતી નથી. આ ઉપરાંત માછીમારીની જાળને પણ નુકસાન પહોંચે છે અને વિરોધ કરવામાં આવે તો ધાકધમકીઓ પણ આપવામાં આવે છે તેવી ફરિયાદ બોટોના ટંડેલે કરી હતી.

આ બાબતે પોરબંદર બોટ એસોસીએશન દ્વારા ઓખા બોટ એસોસીએશનના આગેવાનોને સ્થાનિક માછીમારોને લાઈનીંગ ફિશીંગ ઝોન પદ્ધતિથી માછીમારી નહીં કરવા અનુરોધ કર્યો હતો. તેમ છતાં આ પદ્ધતિથી માછીમારી બંધ નહીં થાય તો આ મુદ્દે અખિલ ભારતીય માછીમાર મહામંડળને રજૂઆત કરવામાં આવશે. જો આ પદ્ધતિનો વ્હેલી તકે નિવેડો નહી આવે તો આંદોલન પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

સીધી વાત/વેલુભાઇ મોતિવરસ. ઉપપ્રમુખ, પોરબંદર બોટ એસો.

ફિશિંગ લાઈન પદ્ધતિથી સ્થાનિક માછીમારોને ક્યા પ્રકારની નુકસાની થાય છે ?
નાની બોટ અને પીલાણા લઈને માછીમારી કરતા માછીમારોને મોટું નુકસાન થાય છે.
ઓખાથી માધવપુર સુધી કેટલું અંતર ?
અંદાજે 100 નોટિકલ માઈલનું અંતર રહે છે.
પોરબંદરમાં કેટલી નાની બોટ અને પીલાણા છે ?
100 જેટલી નાની બોટો અને 428 જેટલા પીલાણા છે.
આ મુદ્દે ઓખા બોટ એસો. નો કેવો પ્રતિભાવ રહ્યો ?
સ્થાનિક માછીમારો સાથે ચર્ચા કરીને નિરાકરણ લાવવા જણાવ્યું છે.