• Gujarati News
  • Porbandar Hast Shil Fair Ferocious Fires, Millions Of Rupee Loss

પોરબંદરના હસ્તશીલ્પ મેળામાં વિકરાળ આગ, લાખો રૂપિયાનું નુકશાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મેળામાં જ ઉંઘી રહેલા પ૦ જેટલા ધંધાર્થીઓ મહામુસીબતે બહાર નીકળ્યા

પોરબંદરમાં ખીજડી પ્લોટમાં હાથ બનાવટની ચીજવસ્તુઓ ઉપરાંત કપડા સહિ‌તની ચીજવસ્તુઓના વેચાણ માટે હસ્ત શિલ્પ મેળો આવ્યો હતો. જેમાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખો હસ્ત શીલ્પ મેળો બળીને ખાખ થઈ ગયો હતો જેને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ થઈ રહ્યો છે. આ મેળાની અંદર જ ધંધાર્થીઓ સુતા હોય આ ધંધાર્થીઓએ મહામુસીબતે પોતાનો જીવ બચાવ્યો હતો.

પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં હેન્ડલુમ, ફર્નિ‌ચર, કાર્પેટ, ડ્રેસ મટીરીયલ્સ, ઈમીટેશન જ્વેલરી સહિ‌તની ચીજવસ્તુઓના વેંચાણ માટેનો હસ્ત શિલ્પ મેળો ચાલી રહ્યો હોય, જેમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ એકાએક આગ લાગી હતી. થોડી જ ક્ષણોમાં આગની લપેટમાં આખો મેળો આવી ગયો હતો જેના કારણે ભેદી ધડાકાઓ શરૂ થતા આસપાસના વિસ્તારો ભર નિંદ્રામાંથી જાગી ગયા હતા. આ મેળાની અંદર સુતેલા પ૦ થી પણ વધુ ધંધાર્થીઓ દોડી-દોડીને મહામુસીબતે બહાર નીકળ્યા હતા.

આગ લાગ્યાની જાણ હસ્ત શિલ્પ મેળાના સંચાલકે ફાયર બ્રિગેડને કરતા ફાયર ઓફિસર રમેશ કોટીયા સહિ‌તનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાંચ જેટલા પાણીના બંબાનો મારો ચલાવીને આગને કાબુમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ આગ એટલી બધી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડના જવાનો પણ લાચાર બની ગયા હતા. કલાકોની જહેમત બાદ આ આગ કાબુમાં આવી હતી પરંતુ આખો હસ્ત શીલ્પ મેળો બળીને રાખ થઈ ગયો છે જેને કારણે લાખો રૂપિયાની નુકસાની થઈ હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

મેળામાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો ન હતા

ખીજડી પ્લોટમાં હસ્ત શિલ્પ મેળામાં મોટી સંખ્યામાં ધંધાર્થીઓ પોતાના ધંધા માટે આવ્યા હોય અને તેમની ખરીદી માટે લોકોની પણ ભારે ભીડ હોય, આવી સ્થિતિમાં મેળાના સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીના કોઈ સાધનો રાખવામાં આવ્યા ન હતા. આગ લાગી ત્યારે ડબલાથી પાણી ભરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગ દિવસે લાગી હોત તો મોટી જાનહાની થવાની સંભાવનાં હતી.

આગ ક્યા કારણોથી લાગી ?

હસ્ત શિલ્પ મેળામાં વહેલી સવારે આ આગ ક્યા કારણોથી લાગી ? તે અંગે સંચાલકે ગોળ ગોળ વાતો કરી હતી. તેણે એવો બચાવ કર્યો હતો કે, રાત્રિના સમયે મચ્છરથી બચવા માટે અગરબત્તી પ્રગટાવી હતી તેનાથી લાગી ગઈ હોય અથવા તો મેળામાં રહેલા લાઈટ માટેના વાયરો લુઝ થઈ ગયા હોય તેના કારણે પણ આગ લાગી હોય, જો કે આ આગનું કારણ અકબંધ રહ્યું હતું.

આગ મેળાનાં છેલ્લા દિવસે જ કેમ લાગી ?

છેલ્લા ૧પ દિવસથી ખીજડી પ્લોટ ખાતે હસ્ત શિલ્પ મેળો ચાલી રહ્યો છે. આવતીકાલે મેળાનો છેલ્લો દિવસ હોય અને એકાએક આગ કેમ લાગી ? આ મેળાનો વિમો લેવામાં આવ્યો હતો કે કેમ ? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘોર બેદરકારી દાખવનાર મેળાના સંચાલક સામે કોઈ પગલા લેવાશે કેમ ? તેવી ચર્ચા પણ શહેરભરમાં થઈ રહી છે.