પોરબંદરમાં કાળા કાયદાનાં વિરોધમાં ધરણાં, કલેક્ટરને આપ્યું આવેદન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોંગ્રેસે ખેડૂતો માટે મુશ્કેલીરૂપ કાળો કાયદો રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

રાજ્યની ભાજપ સરકારે ગુજરાત વિધાનસભામાં સિંચાઈ અને પાણીની નિકાલ વ્યવસ્થા વિધાયક-૨૦૧૩ નામનો ખેડૂત વિરોધી કાળો કાયદો બનાવ્યો છે. આ કાળા કાયદા સામે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે માણેક ચોક ખાતે ૧૧ થી ૧૨ ધરણાંના કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખેડૂતો માટે આ મુશ્કેલીરૂપ કાળા કાયદાને રદ કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું.

આવેદનપત્રમાં કોંગ્રેસના આગેવાનોએ એવું જણાવ્યું હતું કે, ભાજપની સરકારે સિંચાઈ અને પાણીની નિકાલ વ્યવસ્થા વિધાયક-૨૦૧૩ નામનો ખેડૂત વિરોધી કાળો કાયદો બનાવ્યો છે. આ કાયદાથી ખેડૂતોને કૂવો, બોરવેલ કે ટ્યુબવેલ કરવા માટે રાજ્ય સરકાર પાસેથી લાયસન્સ લેવું પડશે અને આ લાયસન્સ ફી પણ ભરવી પડશે. આ ઉપરાંત તળાવની નીક, ચેક ડેમ, નહેર સહિતના જે પાણીના સંગ્રહ સ્થાનો છે તેના ઉપર રાજ્ય સરકારનો અધિકાર રહેશે અને આ કાનુનનો ભંગ કરનારને ૬ મહિના સુધીની સજા અને રૂ. પાંચ હજારનો દંડ કરી શકાશે તે પ્રકારની જોગવાઈ કરવામાં આવશે.

તેમજ આ કાયદાનું નિયમન કરનાર સિંચાઈ વિભાગના એન્જીનીયરને નહેર અધિકારી કહેવાશે અને આ નહેર અધિકારીને તાલુકા મેજીસ્ટ્રેટ જેટલો અધિકાર આપીને લાયસન્સ નહીં લેનાર અથવા તો મંજુરી વગર પાણી લેનાર તેમજ કૂવો ખોદનાર, ટ્યુબવેલ બનાવનાર, બોરવેલ કે કૂવાની નોંધણી નહીં કરાવનાર અને નોંધણીનું લાયસન્સ નહીં મેળવનાર ખેડૂતની ધરપકડ કરવાનો તથા દંડ કરવાનો અધિકાર નહેર અધિકારીને આપવામાં આવ્યો છે.

ખેડૂતોના આ કાયદો તાત્કાલીક અસરથી રદ કરવાની માંગણી સાથે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માણેક ચોક ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રામદેવભાઈ મોઢવાડીયા, સામતભાઈ ઓડેદરા, હિરાલાલભાઈ શિયાળ સહિતના કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.