પુત્રીની આબરૂ બચાવવા માતા બની હત્યારણ, યુવાનને પતાવી દીધો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોરબંદરમાં યુવાનના મૃતદેહનો ભેદ ઉકેલાયો

પોરબંદરમાં પાંચ દિવસ પૂર્વે સુભાષનગરની ખાડી નજીકથી કોડીનારના એક યુવાનની કોહવાયેલી લાશ મળી આવી હતી. શરીર ઉપર ઈજાના ઘા હોવાથી હત્યા થઈ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. પી.એમ. રીપોર્ટમાં ગળે ટુંપો દઈને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે આ હત્યાનો પર્દાફાશ કર્યો છે. આ હત્યામાં સંડોવાયેલી એક મહિલાની પોલીસે અટકાયત કરી છે. દીકરીની આબરૂ લેવાનો મૃતક યુવાને પ્રયાસ કર્યો હોવાથી તેમનું ઢીમ ઢાળી દીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મુળ કોડીનારનો અને હાલ પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરતો તરૂણ રાજા વાજા (ઉ.વ. ૩૪) નામના દલિત યુવાનનો મૃતદેહ આજથી ૪ દી’ પૂર્વે સુભાષનગરની ખાડી કાંઠેથી કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. શરીરે ઈજાના નિશાનો જોવા મળતા હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી હતી.

પી.એમ. રીપોર્ટમાં આ યુવાનને ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું બહાર આવતા કીર્તિ મંદિર પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા દોડધામ શરૂ કરી હતી. એ દરમિયાન સુભાષનગર વિસ્તારમાં રહેતી વનિતા લાલજી ચામડીયા નામની મહિલાની શંકાના આધારે અટકાયત કરીને પુછપરછ હાથ ધરતા તેમણે જ તરૂણ રાજા વાજાને ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દીધાની કબુલાત આપી હતી.

પોલીસની પુછપરછમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, તરૂણ રાજા વનિતા ચામડીયાના ઘરે ત્રણ-ચાર વર્ષથી આવ-જા કરતો હતો અને ત્યાં ખાતો-પીતો હોય, આ ઘટના બની એ જ દિવસે રાત્રીના તરૂણે વનિતાબેનની દિકરીની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને તરૂણ નશો કરેલી હાલતમાં હોય, આથી વનિતાએ તેમણે ગળે ટૂંપો દઈ દેતા તરૂણ મોતને ભેટ્યો હતો. ત્યારબાદ તેમની લાશને સુભાષનગરની ખાડી નજીક ફેંકી દીધો હતો. આ હત્યામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ આદરી છે.

- તરુણની લાશને ઘરમાં જ દાટી દેવા ખાડો ખોધ્યો!

તરૂણની વનિતાએ હત્યા નિપજાવ્યા બાદ લાશને ૨૮ કલાક સુધી ઘરમાં જ રાખી હતી અને ઘરની બહાર લઈ જતા ડર અનુભવતી હતી. આથી એક તબક્કે તેમણે પોતાના જ ઘરમાં ખાડો ખોદીને તરૂણની લાશને દાટી દેવાનો પ્રયાસ કર્યો હતો. ઘરમાં ખાડો ખોદવાનું શરૂ કરતા આસપાસમાં રહેતા લોકોને શંકા ગઈ હતી. આથી આ લાશને દફનાવી દેવાનો વિચાર માંડી વાળ્યો હતો.

- મચ્છીના બકેટમાં બાંધીને લાશ ફેંકી દીધી

નશો કરેલી હાલતમાં રહેલા તરૂણને ગળે ટૂંપો દઈને હત્યા કરી નાંખી હતી. આ લાશને ઘરમાં દફનાવી દેવાનો પ્રયાસ નિષ્ફળ જતા અને લાશ ગંધાવા લાગતા અંતે વનિતાએ આ તરૂણની લાશને મચ્છીના બકેટ અને કોથળામાં બાંધી ખાડી નજીક ફેંકી દીધી હતી. પોલીસે આ બકેટ પણ કબ્જે કર્યું છે.