પોરબંદરમાં કપિરાજે આતંક મચાવતા લોકોના ટોળે ટોળા ઉમટયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કપિરાજને પાંજરે પૂરવા પ્રયાસ, પરંતુ કટાયેલા દરવાજો બંધ નહીં થતા કપિરાજ નાસી છૂટયા


પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં આજે બપોરના સમયે કપિરાજ ચડી આવ્યા હતા. આ કપિરાજને લોકોએ કેળા, રીંગણા અને રોટલી આરોગવા આપી હતી. લોકોના ટોળાને જોઈને કપિરાજ ગીન્નાયા હતા અને આસપાસની દુકાનોમાં ઉછળકૂદ કરીને આતંક મચાવ્યો હતો. આ કપિરાજને પાંજરે પુરવા વનવિભાગે પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ કપિરાજ હાથ લાગ્યા ન હતા.

આમ તો છેલ્લા દોઢ માસથી સ્ટેશન પ્લોટ વિસ્તારમાં કપિરાજે મુકામ કર્યો છે. પરંતુ અહીં તેમની રંજાડ જોવા મળી ન હતી. આજે બપોરના ૪:૦૦ વાગ્યા આસપાસ આ કપિરાજ વાડી પ્લોટ શાકમાર્કેટ નજીક ચડી આવ્યા હતા અને દુકાનોની છત ઉપર મુકામ કર્યો હતો. જેને પગલે લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા અને કપિરાજને કેળા, રીંગણા અને રોટલી ભોજન માટે આપતા કપિરાજે આરોગ્યું હતું. તેમ છતાં કપિરાજ લોકોના ટોળાને જોઈને ગિન્નાયા હતા અને આસપાસની અનાજ કરિયાણાની દુકાનોની ચીજવસ્તુઓ ફેંકવાનું શરૂ કરી દીધું હતું. આ અંગેની જાણ વનવિભાગ અને પ્રકૃતિ-ધ યુથ સોસાયટીને થતા તેઓ પાંજરૂ લઈને દોડી ગયા હતા. કપિરાજ પાંજરામાં પણ પુરાઈ ગયા હતા પરંતુ આ પાંજરૂ કાટ ખાઈ ગયું હોવાથી દરવાજો બંધ નહીં થતા કપિરાજ નાસી છુટયા હતા. કપિરાજે આજે લોકોનું મનોરંજન કર્યું હતું. જો કે વન વિભાગને કપિરાજને કેદ કરવામાં નિષ્ફળતા મળી હતી.કપિરાજનાં આતંકથી આ વિસ્તારમાં લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને લઇને વન વિભાગનાં સ્ટાફ અહીં દોડી આવ્યનો હતો.