સુદામાપુરીમાં ગુંજશે જય જલીયાણનો નાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોરબંદર ઉપરાંત રાણાવાવ, આદિત્યાણા અને માધવપુરમાં ભક્તિભાવ સાથે થશે જલારામ જયંતિની ઉજવણી
-
થનગનાટ : જિલ્લાભરમાં આજે રઘુવંશી પરિવાર દ્વારા જલારામ બાપાની ૨૧૪મી જન્મ જયંતિની ઉજવણી કરાશે

સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૧૪ મી જન્મ જયંતિની ઉજવણીની પોરબંદર જીલ્લામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોરબંદર શહેર ઉપરાંત જીલ્લાના રાણાવાવ, આદિત્યાણા, માધવપુર, કુતિયાણા સહિ‌તના ગામોમાં ઉજવણી ધામધુમપૂર્વક રઘુવંશીઓ દ્વારા કરવામાં આવશે. જેમાં ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી, અન્નકુટ, મહાપ્રસાદી અને સંતવાણી સહિ‌ત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે શનિવારના રોજ રઘુવંશી સમાજના સંત શિરોમણી પૂ. શ્રી જલારામ બાપાની ૨૧૪ મી જન્મ જયંતિની દબદબાભેર ઉજવણી કરવા લોહાણા સમાજ થનગની રહ્યો છે. જિલ્લામાં પોરબંદર, રાણાવાવ, આદિત્યાણા, કુતિયાણા અને માધવપુર સહિ‌ત દરેક જગ્યાએ જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદી, સંતવાણી સહિ‌તના જુદા-જુદા કાર્યક્રમો રાખવામાં આવેલ છે. પોરબંદરમાં લાભ પાંચમના દિવસથી જ મહાપ્રસાદી માટે પ્રસાદી બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ મહાપ્રસાદીમાં પોરબંદર શહેરમાં વસતા લગભગ ૩૦,૦૦૦ થી પણ વધુ રઘુવંશીઓ ભાવપૂર્વક પ્રસાદી આરોગશે તેમજ ઈતર જ્ઞાતિના લોકો પણ આ મહાપ્રસાદીમાં જોડાશે. પોરબંદરમાં લોહાણા મહાજન વાડી ખાતે અને તાજાવાલા લોહાણા મહાજન વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮:૩૦ કલાકે જલારામ બાપાનું પૂજન કરવામાં આવશે. બપોરના ૪:૦૦ કલાકે લોહાણા મહાજન વંડી ખાતેથી જુદા-જુદા ફ્લોટસ શણગારીને રથમાં જલારામ બાપની મૂર્તિ‌ સાથેની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થશે. આ શોભાયાત્રામાં શહેરના તમામ રઘુવંશીભાઈઓ જોડાશે. આ શોભાયાત્રા પોરબંદરના મુખ્ય રાજમાર્ગો ઉપરથી પસાર થશે ત્યારે તેનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે અને સાંજે ૭:૦૦ વાગ્યે શિતલા ચોક ખાતે આવેલા જલારામ મંદિરે મહાઆરતી કરવામાં આવશે.

રાણાવાવમાં લોહાણા મહાજન દ્વારા સાંજે ૪:૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે તેમજ રાત્રીના ૮:૦૦ વાગ્યે ગોપાલપરા મહાજન વંડી ખાતે મહાપ્રસાદીનું અને રાત્રીના ૯:૩૦ કલાકે રામધૂન અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. માધવપુરના આઝાદ ચોક ખાતે આવેલા જલારામ મંદિરેથી બપોરે ૪:૦૦ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. સવારે ૮:૦૦ કલાકે અન્નકુટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આગળ જુઓ જલિયાણ ઉજવણીની વધુ માહિતી