બોટ અપહરણનાં મુદ્દે માછીમારો લાલઘૂમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અપહરણનો મુદ્દો સંસદમાં ઉઠાવવા માંગ : હાલ પાકિસ્તાનમાં ત્રણ અબજની કિંમતની ૭પ૭ જેટલી બોટો
પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. છેલ્લા ૧૨ વર્ષથી પાકિસ્તાને એક પણ બોટને મુક્ત કરી નથી. જ્યારે માછીમારોને સમયાંતરે મુક્ત કરી દેવામાં આવે છે. છેલ્લા છ મહિ‌નામાં ૧પ૦ થી પણ વધુ બોટોના અપહરણ કરી જવામાં આવતા ગુજરાતભરના માછીમારો ચિંતીત બન્યા છે અને આ મુદ્દો સંસદમાં ઉઠાવી અને પાક દ્વારા બોટ અને માછીમારોના કરેલા અપહરણના સિલસિલાને બંધ કરવાની માંગણી કરી છે.
ભારત અને પાકિસ્તાનની જળસીમા નજીક હોવાને કારણે એકબીજા દેશના માછીમારો એકબીજા દેશની જળસીમામાં અવારનવાર ઘૂસી જતા હોય છે. આથી બન્ને દેશોની સુરક્ષા એજન્સીઓ દ્વારા માછીમારોના પકડાપકડીનો ખેલ વર્ષોથી ચાલ્યો આવે છે. ખાસ કરીને પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય બોટ અને માછીમારોના વધુ પડતા અપહરણ કરવામાં આવે છે. ૧૯૯૮ થી અત્યારસુધીમાં ભારતની ૭પ૭ જેટલી બોટો પકડી લેવામાં આવી છે, જેની કિંમત રૂ. ત્રણ અબજ અઠયાવીસ કરોડ જેવી થવા જાય છે. જેની આજ દી’ સુધી મુક્તિ થઈ શકી નથી અને પાકિસ્તાનના બંદરોમાં સબડી રહી છે.
બોટ મુક્તિના મુદ્દે અનેક વખતે વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી તેમજ વિદેશ મંત્રીને રૂબરૂ તેમજ પત્ર પાઠવીને રજૂઆતો કરી છે. આ બોટોની મુક્તિ તો શક્ય બની નથી પરંતુ છેલ્લા છ માસમાં પાક મરીન દ્વારા ૧પ૦ થી પણ વધુ ભારતીય બોટ અને ૪પ૦ થી વધુ માછીમારોના અપહરણ કરી જવામાં આવ્યા છે. પાકની આ નાપાક હરકતોના કારણે મત્સ્યોદ્યોગને જબરો મરણતોલ ફટકો પડી રહ્યો છે અને આ બાબતને માછીમારોએ ગંભીરતાથી લીધી છે. પાકિસ્તાન દ્વારા ભારતીય બોટોનો પકડાપકડીનો ખેલ બંધ કરવામાં નહીં આવે તો હજુ પણ પાક દ્વારા ભારતીય બોટોના અપહરણ કરવામાં આવશે.
પાકની આ ઘટનાને લઈને ગૃપ ઓફ બોટ ઓનર્સ અને પોરબંદર માછીમાર સેલના કન્વીનરે સાંસદ કુંવરજીભાઈ બાવળીયા, સિંચાઈ મંત્રી બાબુભાઈ બોખીરીયા, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાને રજૂઆત કરી છે અને સાંસદ કુંવરજીભાઈ બાવળીયાને આ પાકનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની માંગણી બોટ ઓનર્સ ગૃપના છગનભાઈ લોઢારી, ભરતભાઈ મોદી, મનિષભાઈ લોઢારી, દિલીપભાઈ શેરાજી, હેમુભાઈ બરીદુન, ભરતભાઈ વિંજા અને હિ‌રેનભાઈ લોઢારી દ્વારા કરવામાં આવી છે.
બંને દેશ વચગાળાનો નિર્ણય લાવવાનો પ્રયત્ન કરે
બન્ને દેશોના માછીમારોના પ્રશ્નોના નિરાકરણ માટે ઈન્ડો-પાક જોઈન્ટ જ્યુડીશ્યલ કમિટી પણ બનાવવામાં આવી છે. જેમાં બન્ને દેશોના નિવૃત ન્યાયમૂર્તિ‌ઓની કમિટી બનાવી છે. આ કમિટીની આજ દી’ સુધીની ભલામણ બન્ને દેશોની સરકાર સ્વીકારે તેમજ આ પ્રશ્ને કોઈ વચગાળાનો નિર્ણય કરી નિવેડો લાવવાનો પ્રયત્ન કરે.
ભારતીય બોટોનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે
ગૃપ ઓફ બોટ ઓનર્સે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા એક મહિ‌નામાં વધુ પડતી બોટ પાક દ્વારા પકડવામાં આવી છે. આથી એવું લાગી રહ્યું છે કે, ભારતીય બોટોને કોઈપણ ભોગે વધુને વધુ સંખ્યામાં ઉઠાવી પાકિસ્તાનમાં ગેરકાયદેસર વેચાણ કરવાનો ધંધો પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યો હોવાનું જણાય છે. આથી આ પકડા પકડીનો ખેલ બંધ કરાવવો જોઈએ નહીંતર વેંચાણ થયેલી ભારતીય બોટોનો દેશ વિરૂધ્ધ જ ગેરઉપયોગ કરવામાં આવશે.
બન્ને દેશોની દરિયાઈ સુરક્ષા એજન્સીની જોઈન્ટ કમિટી બનાવવામાં આવી છે
ગૃપ ઓફ બોટ ઓનર્સે એવું પણ જણાવ્યું હતું કે, બન્ને દેશોની સુરક્ષા એજન્સી દ્વારા બન્ને દેશોના માછીમારોની પકડાપકડી કરવામાં આવે છે. આ સિલસિલો અટકાવવા માટે ભારત-પાકિસ્તાન બન્ને દેશોની સુરક્ષા એજન્સીઓની એક જોઈન્ટ કમીટી બનાવવામાં આવી છે. જેમાં ર્બોડર ક્રોસ કરતી બોટોને પકડવાને બદલે તપાસ કરીને છોડી મૂકવાની નીતી નક્કી કરી હતી. આ પ્રમાણેની નીતિનો અમલ કરવા ભારત સરકાર દરિયાઈ સુરક્ષા સંલગ્ન એજન્સીને સૂચના આપે તેમજ પાકિસ્તાન સરકાર પાસે તેમનો અમલ કરાવે તે જરૂરી છે.