લોકસભાની પેટાચૂંટણીમાં ખર્ચ ઉપર તંત્રની બાજ નજર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખર્ચ નિરીક્ષક પોરબંદરની મુલાકાતે

લોકસભાની પેટાચૂંટણી લડતા ઉમેદવારોની ખર્ચ અંગેની મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોના ખર્ચ અંગેનું વિવિધ માર્ગદર્શન આપવા માટે આજરોજ ખર્ચ નિરીક્ષક પોરબંદર આવી પહોંચ્યા હતા અને તેઓએ ખર્ચ સંબંધીત નિયુક્ત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

પોરબંદર લોકસભાની પેટા ચૂંટણી અંગે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા ખર્ચ નિરીક્ષક પ્રમોદકુમારે અધિકારીની એક ખાસ બેઠક બોલાવી હતી. જેમાં તેઓએ એવું જણાવ્યું હતું કે, મુકત અને ન્યાયીક ચૂંટણીઓથી લોકશાહી બળવત્તર બને છે. મની પાવર, મસલ્સ પાવર અને અન્ય પરબિળો દ્વારા મતદારોને પ્રલોભનો કે ભયભીત થતા અટકાવવા માટે ભારતીય ચૂંટણી પંચે વ્યાપક પ્રબંધો કર્યા છે.

પ્રમોદકુમારે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, લોકસભાના ઉમેદવારોની ખર્ચ કરવા અંગેની મહત્તમ મર્યાદા રૂ. ૪૦ લાખની નક્કી કરવામાં આવી છે. તેથી વધુ ખર્ચ થાય તો જીતેલા ઉમેદવાર પણ ગેરલાયક ઠરી શકે છે. ઉમેદવારો દ્વારા ખર્ચના હિસાબો રજુ થતા હોય છે. તેની સાથે-સાથે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ ટીમો દ્વારા પણ દેખરેખ રાખવામાં આવશે.

આ માટે નક્કી થયેલી ટીમો પર્યાપ્ત આધારો સાથે સેડો રજીસ્ટરમાં નોંધી ઉમેદવારોએ રજુ કરેલા હિસાબો સાથે સરખાવશે. આ ઉપરાંત કેટલાક દારૂની વહેંચણી, મતદારોને પ્રલોભન માટે રોકડ કે ભેટ સોગાદ કે ચીજવસ્તુઓ આપવી વગેરે બાબતો માન્ય નથી. તે બાબતોનું કડક નિરીક્ષણ કરીને તેમાં ખર્ચ પણ પુરાવા સાથે રજીસ્ટરમાં નોંધવામાં આવશે.