પોરબંદરમાં વીજ ચેકીંગમાં બઘડાટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વીવી બજાર વિસ્તારમાં વીજ કર્મચારીઓ અને દેવી પૂજકો આમને - સામને આવી ગયા

પોરબંદરના વીવી બજાર વિસ્તારમાં આજે સવારે પી.જી.વી.સી.એલ. ના કર્મચારીઓ વિજ ચેકિંગ માટે ગયા હતા, એ દરમિયાન વિજકર્મચારીઓ અને દેવીપૂજકો વચ્ચે વિજચોરીના મુદ્દે આક્ષેપો-પ્રતિઆક્ષેપો કર્યા બાદ બઘડાટી બોલી હતી. જેમાં વિજકર્મચારીઓએ ફરજમાં રૂકાવટની ફરિયાદ કરી હતી તો સામાપક્ષે દેવીપૂજકોએ વિજતંત્રના સિક્યુરીટી ગાર્ડે માર માર્યાના આક્ષેપો કર્યા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના વીવી બજારમાં જ્યાં મોટાભાગે દેવીપૂજકો વસવાટ કરે છે ત્યાં પી.જી.વી.સી.એલ. ના સિનીયર એન્જીનીયર પાણખાણીયા, જુનિયર એન્જીનીયર મકવાણા સહિ‌તના અધિકારીઓ અને કર્મચારીઓ ચેકિંગ માટે ગયા હતા. જ્યાં કાયદેસર વિજ કનેક્શન હતું ત્યાં લંગરીયા નાંખીને વિજચોરી થતી હોવાનું ધ્યાન ઉપર આવતા આ ગેરકાયદેસર વિજ કનેક્શનો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેને પગલે દેવીપૂજક ભાઈઓ-બહેનોના ટોળા એકત્રીત થઈ ગયા હતા અને લોકોએ એવું જણાવ્યું હતું કે, જે લોકો વિજચોરી કરે છે તેમના જ કનેક્શન કાપો...જે મુદ્દે કર્મચારીઓ અને દેવીપૂજકો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. જો કે આ ઘટનાની જાણ થતા કમલાબાગ પોલીસ ટાણાસર દોડી આવતા મામલો થાળે પડયો હતો. ત્યારબાદ દેવીપૂજકો પ્રાગજીબાપાના આશ્રમ નજીક આવેલી વિજ કચેરી ખાતે દોડી ગયા હતા અને ઉગ્ર રજુઆતો કરી હતી. આ અંગેની જાણ થતા કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેમણે સમજણપૂર્વક મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વિજ અધિકારીઓએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી.

ઝપાઝપીમાં બે થી ત્રણ વ્યક્તિઓને ઈજા

વિજતંત્રના સિક્યુરીટી ગાર્ડ અને દેવીપૂજક વચ્ચે વિજ કનેક્શન કાપવાના મુદ્દે બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ હતી. જેમાં જયાબેન સવજી સોલંકી અને નરેશ અરશી સોલંકીને ઈજા થતા તેમને સારવારઅર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

દેવીપૂજકોને ખોટી રીતે પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો

દેવીપૂજક સમાજના આગેવાન ભાવેશ સોલંકીએ એવું જણાવ્યું હતું કે, વિજતંત્ર દ્વારા ખોટી રીતે વિજ ચેકિંગના બહાને લોકોને હેરાન કરવામાં આવે છે અને ગમે ત્યારે ઘરમાં ઘૂસી જાય છે અને પૈસા લઈને ગેરકાયદેસર કનેક્શનો પણ ચલાવવા દેવામાં આવે છે, તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.