તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરની બજારમાં ખરીદીનો તડાકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાઉન્ટ ડાઉન : દિવાળીનાં આડે હવે ગણતરીનાં કલાકો બાકી રહ્યા છે ત્યારે
- પ્રકાશનાં પર્વે શહેરમાં જૂના ફૂવારાથી છેક કમલા બાગ સુધી રોશનીની રોનકથી ઝગમગાટ : ગૃહ સજાવટ સામગ્રીની ખરીદી


ધન તેરસ આવી ગઈ, દિવાળીને એક જ દિવસ બાકી છે, ત્યારે પોરબંદરની બજારમાં દિવાળીની રોનક દેખાવા લાગી છે. આજે શહેરની તમામ મુખ્ય બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. કપડાથી લઈને ઈલેક્ટ્રોનિક્સની દુકાનોમાં મોડી રાત્રિ સુધી લોકો ખરીદી કરતા નજરે પડયા હતા. આમ તો છેલ્લા ચાર-પાંચ દિવસમાં દિવાળીની ખરીદીમાં તેજી જોવા મળે છે. પોરબંદરમાં આ વર્ષે સારો વરસાદ થવાને કારણે બજારોમાં દિવાળીના તહેવારોની રોનક જોવા મળી રહી છે. દિવાળીના પર્વને આનંદ અને ઉલ્લાસથી ઉજવવા લોકો થનગની રહ્યા છે, દિવાળી આવે એટલે નવા કપડા, ઈલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદી, ગૃહસજાવટની સામગ્રી ઉપરાંત સોનાની પણ ખરીદી લોકો કરતા હોય છે.

પોરબંદર શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી દિવાળીની ફૂલ ગુલાબી તેજી જોવા મળે છે. સાંજ પડતા જ પોરબંદરના હાર્દ સમા બંગડી બજાર વિસ્તારમાં લોકોની અને ખાસ કરીને મહિ‌લાઓની વધુ પડતી ભીડ જોવા મળે છે. ગૃહિ‌ણીઓ ગૃહ સજાવટની તોરણ, દિપાવલીના દિપ અને રંગોળી માટે રંગબેરંગી રંગોની ખરીદી કરતી નજરે પડે છે.

ઈલેક્ટ્રોનિક્સની દુકાનોમાં પણ લોકો ફ્રીજ, ટીવી, વોશીંગમશીનની ખરીદી કરતા નજરે પડે છે. જો કે ધનતેરસ અને દિવાળીના દિવસે લોકો ખરીદી કરવાનો આગ્રહ વધુ રાખતા હોય છે. રેડીમેઈડ કપડાના વેપારીઓએ એવું જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી સવારથી જ ગ્રાહકોની ભીડ જોવા મળે છે અને મોડી રાત સુધી લોકો કપડાની ખરીદી કરે છે. જેને કારણે મોડે સુધી બજારો ધમધમતી જોવા મળે છે. દિવાળી આવે એટલે તોરણની ખરીદી પણ લોકો કરતા હોય છે. પ્લાસ્ટીકના ફૂલ હાર અને મોતીના હાર ઉપરાંત આસોપાલવનું લીલુ તોરણ ઓફિસ, દુકાનો અને ઘરના દરવાજે બાંધે છે. આજના સમયમાં લોકો દિવાળીના બે-ત્રણ દિવસ પૂર્વે જ ખરીદી કરતા હોય છે. પોરબંદરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દિવાળીની રોનક દેખાય છે. આજે ધનતેરસથી દિવાળી સુધી બજારમાં ખરીદી માટે લોકોની ચહલ-પહલ વધી જશે. ફટાકડાનાં ભાવોમાં વધારો થવા છતાં પણ ખરીદીમાં ભારે ભીડ જોવા મળી રહી છે.