આવાસ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરો : કોંગ્રેસનાં આવેદન સાથે માંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે અડધો કલાકની દલીલો બાદ પાલિકા તંત્રએ આ કામની તપાસ કરવાની ખાત્રી આપી
-
રજૂઆત : જનતા દરોડા બાદ કોંગ્રેસ આગેવાનોની હાજરીમાં તંત્ર દ્વારા સેમ્પલ લેવાયા

પોરબંદરમાં મિશન સીટીની યોજના અંતર્ગત બોખીરા-તુંબડા વિસ્તારમાં ગરીબો માટે આવાસ બનાવવામાં આવી રહ્યા છે. આવાસ બનાવવાની કામગીરીમાં બેફામ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. ગઈકાલે જનતા દરોડો પાડીને નબળા કામગીરીની પોલ ખોલી નાંખી હતી. આજરોજ કોંગ્રેસના આગેવાનોએ નગરપાલિકાના ચિફ ઓફિસરને આ નબળી કામગીરીની તપાસ કરવાની માંગણી કરી અને એક આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.

પોરબંદરના બોખીરા-તુંબડા વિસ્તારમાં કેન્દ્ર સરકારની જવાહરલાલ નહેરૂ અર્બન રીન્યુઅલ મિશન યોજના અંતર્ગત ગરીબો માટે ૨, ૪૪૮ જેટલા આવાસો બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વ્યાપક ફરિયાદો બાદ કોંગ્રેસના આગેવાનોએ ગઈકાલે જનતા દરોડો પાડયો હતો અને આ દરમિયાન આવાસ બનાવવાની કામગીરીમાં દંગડીનો ઉપયોગ કરવાને બદલે કોલસાની ભુક્કીમાંથી બનતા બ્લોકથી ચણતર કામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત નબળી ગુણવત્તાવાળા લોખંડનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ જે સ્લેબ ભરવામાં આવ્યો છે તેમાં પણ તિરાડો પડી ગઈ હતી.

આવાસ યોજનામાં પોલંપોલ ચાલી રહી હોવાનું બહાર આવ્યા બાદ આજે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લાલજીભાઈ પાંજરી સહિ‌તના આગેવાનોએ નગરપાલિકાના ચિફ ઓફિસર આર.જે. હુદડને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવાસ યોજનામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગણી કરી હતી. અડધો કલાકની દલીલો બાદ નગરપાલિકાના તંત્રએ આ કામની તપાસ કરવાની ખાતરી આપી હતી.