તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર શહેરનાં ઉદ્યોગપતિને પ્રવાસી ભારતીય એવોર્ડ મળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગાંધીનગરમાં મહેન્દ્રભાઇ મહેતાનું ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ કર્યુ સન્માન

પોરબંદર: તાજેતરમાં જ ગાંધીનગર ખાતે યોજાયેલી ગ્લોબલ સમીટમાં ગાંધીભૂમિ પોરબંદરના પનોતાપુત્ર અને ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ મહેતાને ગાંધીનગરમાં ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ પ્રવાસી ભારતીય એવોર્ડ એનાયત કરી સન્માનિત કરેલ છે. આ ઐતિહાસિક પ્રસંગે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ગવર્નર ઓ.પી. કોહલીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દંતકથાસમા રાજરત્નશ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસભાઈ મહેતાના પુત્ર અને ભારત ઉપરાંત વિદેશમાં ઔદ્યોગિક સામ્રાજ્યનો અસીમ વિસ્તાર કરનાર મહેતા પરિવારના મહેન્દ્રભાઈ મહેતાએ જ્યારે વાઈબ્રન્ટ શબ્દ કે ઔદ્યોગિક વિકાસની યોજનાઓ અમલમાં નહોતી ત્યારે 19 વર્ષની ખૂબ જ નાની વયે બિઝનેશની ધૂરા સંભાળી 7000 થી વધુ કર્મચારીઓના સથવારે પૂર્વ આફ્રિકામાં સુગર ફેક્ટરી, કેબલ અને એન્જીનીયરીંગ યુનિટ, ઈન્સ્યોરન્સ કંપની તથા જનરલ ટ્રેડિંગ કંપનીનું નિર્માણ કરેલ છે.

જ્યારે પોતાના વતન પોરબંદર તેમજ ગુજરાતના પછાત ગણાતા વિસ્તારોમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ અને ગુજરાત સિધ્ધિ સિમેન્ટ સહિત ઔદ્યોગિક એકમો સ્થાપીને હજારો લોકોને રોજગારી આપવા સહિત શિક્ષણક્ષેત્રે પણ નાનજીભાઈ મહેતાએ સ્થાપેલી આર્યકન્યા ગુરૂકુળમાં સુસંસ્કૃત શિક્ષણ દ્વારા દિકરીઓને શિક્ષિત અને દીક્ષિત કરવાના અભિયાનનું હજુ પણ વિસ્તૃતિકરણ કરી રહ્યા છે. આ ઉપરાંત ભારતમાં સિમેન્ટ મેન્યુફેક્ચર એસોસીએશન ઓફ ઈન્ડીયા, નેશનલ કાઉન્સીલ ફોર સિમેન્ટ એન્ડ બિલ્ડીંગ મટીરીયલ્સના અધ્યક્ષપદે સેવા આપવાની સાથેસાથે તેઓશ્રીએ યુગાન્ડા સરકારમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ તેમજ પ્લાનિંગ કમિશ્નરના સભ્યપદે સરાહનીય સેવાઓ આપેલ છે.

ઈન્ડસ્ટ્રીઝ અને પ્લાન્ટેશનના વિકાસ માટે યુગાન્ડા ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં પણ અનેક સંયુક્ત સાહસોના વિકાસ ઉપરાંત કેન્યામાં ઈસ્ટ આફ્રિકન સુગર ઈન્ડસ્ટ્રીઝ, સોની સુગર, એગ્રો કેમિકલ્સ અને ફૂડ કંપનીની સ્થાપનામાં મહેન્દ્ર મહેતાએ મહત્વની ભૂમિકા ભજવી છે. ભારત અને વિદેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની સાથે-સાથે તેમણે સામાજીક જવાબદારીઓ સુપેરે નિભાવી છે.

યુગાન્ડામાં 13 પ્રાથમિક શાળાઓ, 3 નર્સરી અને સેકન્ડરી શાળાઓની સાથે અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. જેની ફલશ્રુતિરૂપે મહેન્દ્ર મહેતાને કેન્યા સરકારે “હેડ ઓફ સ્ટેટ કોમેન્ડેશન” એવોર્ડથી નવાજ્યા હતા જ્યારે યુગાન્ડા સરકારમાં પાયોનિયર લેજીસ્ટર તરીકે અદ્વિતીય સેવા આપવા બદલ યુગાન્ડાના સુવર્ણ જયંતિ અવસરે સન્માનિત થયા હતા. આમ, શિક્ષણ અને મેડિકલ સુવિધાઓ દ્વારા “બહુજન હિતાય-બહુજન સુખાય” ની ભાવના તેઓ સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે.