પોરબંદર/સોઢાણા: પોરબંદર જિલ્લા ઉપર મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું છે. સમગ્ર જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ધરતીપુત્રોના હૈયે હરખ જોવા મળી રહ્યો છે. જળસંચય માટે ગ્રામ્ય વિસ્તારોમાં બનાવવામાં આવેલા તળાવો પાણી વિના સુના જોવા મળતા હતા. છેલ્લા 4-5 દિવસથી થઈ રહેલી મેઘકૃપાને પગલે જે તળાવોમાં કાંકરા ઉડતા હતા.
તળાવોમાં નવા નીર આવતા ફરી સજીવન થયા છે. તળાવોમાં પાણીની આવક શરૂ થતા ખાસ કરીને ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી છે. આગામી દિવસોમાં આ તળાવોને કારણે જમીનના તળ ઉંચા આવશે તેમજ ખેડૂતોને સિંચાઈનો પણ લાભ મળી રહેશે. પ્રથમ વરસાદમાં જ તળાવોમાં નીરની આવક શરૂ થઈ ગઈ છે અને હજુ પણ મેઘકૃપા થશે તો આ તળાવો છલોછલ બની જશે.