તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીજીની સભા સાંભળનાર 110 વયનાં વૃદ્ધા કહે છે મતદાન જ લોકશાહીનો આધારસ્તંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

 

સોઢાણા: પોરબંદર તાલુકાના ફટાણા ગામે રહેતા જમનાબેન કરશનભાઈ કાપડી નામના વૃદ્ધ મહિલાનો જન્મ ઈ.સ. 1908 ની સાલમાં થયો હતો. હાલ આ મહિલાને 110 વર્ષની ઉંમર થઈ હોવાના આધારકાર્ડ સહિતના પુરાવાઓ પણ છે. આ વૃદ્ધ મહિલાને 110 વર્ષ થયા હોવા છતાં આજે પણ બધું જ ઘરકામ કરે છે. સાથોસાથ નાના એવા ફટાણા ગામે ઝાલેશ્વર મંદીરે રહેતા જમનાબેન દરરોજ મંદિરની પૂજા પણ કરી રહ્યા છે. આ વૃદ્ધ મહિલા હાલ પોતાના એક પુત્ર સાથે રહે છે.

 

ફટાણા ગામની પોસ્ટઓફિસે પોસ્ટમાસ્તર તરીકે ફરજ બજાવતા પોતાના પુત્ર સાથે રહી પોતાના પુત્ર માટે જાતે જ ભોજન તૈયાર કરે છે અને બધું જ ઘરકામ કરી રહ્યા છે ત્યારે જમનાબેન યુવાન મહિલાઓને પણ શરમાવે તેવી શારીરિક સ્ફૂર્તિ પણ ધરાવી રહ્યા છે. હાલ નજીકના સમયમાં જ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ઠેરઠેર મતદાન જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ જમનાબેન કરશનભાઈ કાપડી નામના વૃદ્ધ મહિલાએ એવું જણાવ્યું હતું કે,

 

મતદાન લોકશાહીનો આધારસ્થંભ છે અને દરેક વ્યક્તિએ લોકશાહીને જીવંત રાખવા માટે અવશ્ય મતદાન કરવું જ જોઈએ. વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, હું દરેક ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરૂં છું અને દરેક વખતે મતદાન કરવા માટે લોકોને અપીલ પણ કરૂં છું. આમ દરેક વ્યક્તિએ મતદાન કરવા માટે જાગૃતતા દાખવવી જોઈએ અને લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન એ લોકશાહીનો આધારસ્થંભ હોવાથી મતદાન કરવા માટે અનુરોધ પણ કર્યો હતો.

મહાત્મા ગાંધીજીની સભાઓ પણ સાંભળેલી


બરડાપંથકના નાના એવા ફટાણા ગામે રહેતા 110 વર્ષની ઉંમરના વૃદ્ધ જમનાબેનએ એવું જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધીજી સંધ્યા સમયે ગ્રામીણ પંથકોમાં સભાઓ યોજતા હતા. આ સમય દરમિયાન મહાત્મા ગાંધીજીની સભાઓમાં પણ હું હાજરી આપતી હતી અને મહાત્મા ગાંધીજીના ભાષણો પણ મેં સાંભળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...