પોરબંદરમાં માત્ર બે ઈંચ વરસાદ પડતાં જ ઠેક-ઠેકાણે પાણી ભરાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વરસાદી પાણીનો ઝડપથી નિકાલ નહીં થતો હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી
પોરબંદર:પોરબંદર શહેરમાં આમ તો છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ વચ્ચે હળવા ઝાપટા પડતા હતા, મેઘરાજા મન મૂકીને વરસવાનું નામ લેતા ન હતા, રવિવારની મોડી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને એક થી દોઢ ઈંચ જેટલું પાણી પડી ગયું હતું. રાત્રિના સમયે પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. માત્ર બે ઈંચ વરસાદમાં શહેરમાં ઠેકઠેકાણે વરસાદી પાણીનો ભરાવો થતાં શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પોરબંદરમાં રવિવારના દિવસે દિવસભર મેઘાવી માહોલ રહ્યા બાદ રાત્રિના મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું હતું. ભારે પવન સાથે વરસાદ પડતા શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાયા હતા ત્યારબાદ રાત્રિના સમયે અને વહેલી સવારે અડધો થી પોણો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બપોરે 12 વાગ્યા સુધીમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેને પગલે શહેરના સુદામાચોક, એમ.જી. રોડ સહિતના રસ્તાઓ ઉપર ગોઠણડૂબ પાણી ભરાયા હતા.
આમ તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વરસાદી પાણીનો ઝડપથી નિકાલ નહીં થતો હોવાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. માત્ર બે ઈંચ વરસાદમાં જો શહેરમાં ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાતા હોય તો 8 થી 10 ઈંચ જેટલો ભારે વરસાદ પડે તો શહેરની શું સ્થિતિ થાય તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.

ખીજડી પ્લોટમાં પાણી ભરાયા ચોપાટી મેદાન પણ પાણીમાં

શહેરમાં હળવા-ભારે ઝાપટા ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરની મધ્યે આવેલા ખીજડીપ્લોટમાં પાણી ભરાયા હતા. જો કે નગરપાલિકાએ અહીંયા પમ્પ રાખીને વરસાદી પાણીની વ્યવસ્થા રાખી છે, ચોપાટી મેદાન ઉપર પણ પાણી ભરાયા હતા.

ગટરનું પાણી રોડ પર ફરી વળે છે ગટરની સફાઇ કરવા માંગ ઉઠી

નગરપાલિકાએ ચોમાસા પૂર્વે પ્રીમોન્સુનની કામગીરીના ભાગરૂપે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટરની સફાઈની કામગીરી હાથ ધરી હતી. તેમ છતાં વરસાદ થતાની સાથે જ ગટરોમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા આ પાણી રસ્તા ઉપર ફરી વળે છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...