પોરબંદર: તોરણીયા નદીનાં કાંઠેથી માનવભક્ષી મગર પાંજરે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:પોરબંદર જિલ્લામાં સામાન્ય રીતે દીપડાની રંજાડને લઈને તેને પાંજરે પુરવા માટે પાંજરા મુકવામાં આવતા હોય છે, પરંતુ મગરની ક્યારેય જળપ્લાવિત વિસ્તારોમાં રંજાડ જોવા મળી નથી. પરંતુ ખંભાળાની જે ઘટના બની છે તેમાં સૌપ્રથમ વખત વનવિભાગ દ્વારા પાંજરૂં મુકવામાં આવ્યું છે. ખંભાળાની તોરણીયા નદીમાં હજુ પણ 4 થી 5 જેટલા મગર હોય તેને પણ ઝડપી લેવા માટે વધુ 2 પાંજરા મુકવામાં આવ્યા છે.)
પોરબંદર: પોરબંદર જિલ્લાના ખંભાળાના નટવરબાગમાં આજથી 20 દિવસ પૂર્વે ઘાસ વાઢવા માટે ગયેલી એક વૃદ્ધા પાણી પીવા માટે તોરણીયા નદીના કાંઠે ગઈ હતી એ દરમિયાન સાત થી આઠ ફૂટની લંબાઈ ધરાવતો એક મગર ધસી આવ્યો હતો અને જડબામાં જકડી રાખતા વૃદ્ધા મોતને ભેટ્યા હતા. આ માનવભક્ષી મગરને ઝડપી લેવા માટે વનવિભાગ દ્વારા પાંચ દિવસ પૂર્વે બે પાંજરા મુકવામાં આવ્યા હતા, જેમાં આ માનવભક્ષી મગર આબાદ ઝડપાઈ ગયો હતો.
રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે રહેતા માલધારી વૃદ્ધા કડવીબેન કારાભાઈ મોરી (ઉ. વર્ષ 65) નામના વૃદ્ધા 20 દિવસ પૂર્વે નટવરબાગમાં ઘાસ વાઢવા માટે ગયા હતા. તે દરમિયાન તેમને તરસ લાગતા આ બાગને કાંઠે આવેલી તોરણીયા નદીમાં પાણી પીવા માટે ગયા હતા. પાણી પી ને કડવીબેન પાછા ફરતા હતા એ જ દરમિયાન 7 થી 8 ફૂટની લંબાઈ ધરાવતો એક મગર એકાએક ધસી આવ્યો હતો અને કડવીબેન કાંઈ સમજે કે વિચારે તે પહેલા જ મગરે મોટું મોઢું ફાડીને કડવીબેનનો પગ પકડી પાણીમાં ખેંચી ગયો હતો અને વૃદ્ધાનું મોત થયું હતું.
આ માનવભક્ષી મગર વધુ લોકોનો ભોગ લે તે પહેલા સ્થાનિક ખંભાળા ગ્રામજનોની માંગણીને પગલે રાણાવાવ વનવિભાગે તોરણીયા નદીમાં અલગ-અલગ બે સ્થળોએ મગર માટે બે પાંજરા મુક્યા હતા. જેમાં આજે વહેલી સવારે આ મગર કેદ થઈ ગયો હતો અને આ અંગેની જાણ થતાં રાણાવાવના આર.એફ.ઓ. જે.એમ. ઓડેદરા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને આ મગરને નદીમાંથી પાંજરા સમેત બહાર કાઢીને જૂનાગઢના કમલસર ડેમમાં છોડી મુકવામાં આવ્યો હતો.

મગરને કઈ રીતે પાંજરે પુર્યો
સામાન્ય રીતે દીપડાને પાંજરે પુરવા માટે પાંજરા મુકવામાં આવતા હોય છે પરંતુ મગરને પાંજરે કઈ રીતે પુર્યો ? તે અંગે રાણાવાવના રેન્જ ફોરેસ્ટર જે.એમ. ઓડેદરાએ એવું જણાવ્યું હતું કે, મગર માટે 10 ફૂટની લંબાઈ અને 3 ફૂટની પહોળાઈવાળા ખાસ પાંજરા બનાવવામાં આવ્યા હતા. જેમાં મટન મુકવામાં આવ્યું હતું. મગરની પ્રકૃતિ છે કે તે વાસી મટન જોઈને તુરંત જ દોડી આવે છે આથી આ મટન ખાવા માટે મગર પાંજરામાં ઘૂસતા જ ખાસ પ્રકારનો દરવાજો નીચે પડી ગયો હતો અને આ મગર પાંજરામાં કેદ થયો હતો.
સાસણની રેસક્યુ ટીમ દોડી આવી
ખંભાળાની તોરણીયા નદીમાં મગરે મહિલાનો ભોગ લેતા ખંભાળાના સરપંચ અને ગ્રામજનોની રજૂઆતને પગલે આ મગરને ઝડપી લેવા માટે વનવિભાગ દ્વારા ખાસ સર્વે કરાયો હતો. મછીયારાની મદદ માંગી હતી પરંતુ પાણીમાં એકથી વધુ મગર હોવાને કારણે રેસક્યુ કરવું મુશ્કેલ હતું આથી સાસણની રેસક્યુ ટીમની મદદ માંગી હતી અને આ ટીમ ખંભાળા ખાતે દોડી આવી હતી અને તેના માર્ગદર્શન મુજબ જ પાંજરૂં મુકાયું હતું.
અન્ય સમાચારો પણ છે...