પોરબંદર: પોરબંદર નરસંગ ટેકરી નજીક આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકાએ સ્ટીલની ફૂટપટ્ટીના ફડાકા ઝીંકતા વિદ્યાર્થીને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી અને સ્કૂલમાંથી રજા મળ્યા બાદ વિદ્યાર્થીના માતા-પિતાને વાત કરતા તેમને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોરબંદરના કર્લીપુલ વિસ્તારમાં રહેતો વિજય રાજુ પરમાર (ઉ. વર્ષ 10) નામનો વિદ્યાર્થી નરસંગ ટેકરી પ્રાથમિક શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરે છે અને આજે સવારે 11 વાગ્યે રીસેસના સમયમાં 4-5 બાળકો સાથે રમતો હતો. તે દરમિયાન રીસેસમાં તોફાન કરતા બાળકોને જોઈ ધર્માબેન નામની શિક્ષિકાએ આ ચાર થી પાંચ બાળકોને બોલાવ્યા હતા અને તેમને સ્ટીલની ફૂટપટ્ટીના ફડાકા ઝીંકી દીધા હતા જેમાં વિજયને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી અને સ્કૂલ છૂટ્યા બાદ ઘરે જઈ માતા-પિતાને વાત કરતા તેમને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં આ બાળકને હાથમાં 2 ટાંકા આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાના બનાવો બનતા હોય છે ત્યારે આ શિક્ષિકાએ વિદ્યાર્થીને સ્ટીલની ફૂટપટ્ટીના ફડાકા ઝીંકી દેતા વિદ્યાર્થીના હાથમાં ટાંકા આવ્યા હતા જેને લઈને તેમના વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો.
શાળાની શિક્ષિકાએ ભાન ભૂલીને વિદ્યાર્થીઓને ફૂટપટ્ટી વડે ઝૂડી નાખ્યા હતા જેમાં વિજય રાજુ પરમારને બે આંગળીઓની વચ્ચે ફૂટપટ્ટી વાગતા લોહી વહેવા લાગ્યું હતું તેમ છતાં રીસેસ પછી પણ બેસાડી રાખ્યો હતો અને જ્યારે વિજય ઘરે આવ્યો ત્યારે તેના હાથમાંથી લોહી નીકળતું હતું. આથી અમે પણ ચોંકી ઉઠ્યા હતા અને સારવાર માટે લઇ ગયા હતા. તેમ તેની માતાએ જણાવેલ.