પોતાનાં 10 ફીશિંગ ટ્રોલરોને ઇરાન સુધી સુરક્ષા આપવા ચીનની ભારતને વિનંતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પોતાનાં 10 ફીશિંગ ટ્રોલરોને ઇરાન સુધી સુરક્ષા આપવા ચીનની ભારતને વિનંતી
- તમામને દિવ લાવી સઘન તપાસ હાથ ધરાઇ

પોરબંદર: દિવ નજીકનાં સમુદ્રમાં ચારેક દિવસથી ચાઇનીઝ ફિશીંગ બોટો ફસાયા બાદ કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. દરમ્યાન અરબી સમુદ્રમાં રફ વાતાવરણ હોઇ ફિશીંગ માટે ચીનથી ઇરાન જઇ રહેલી 10 ચાઇનીઝ ફીશીંગ બોટોને રક્ષણાત્મક છત્ર પુરૂં પાડવાની ચાઇનીઝ સત્તાવાળાઓએ ભારતને વિનંતી કરી હતી. જેને પગલે તેઓને ભારતીય કોસ્ટગાર્ડે સઘન દેખરેખ હેઠળ દિવ લાવી તપાસ કરવામાં આવી હતી.

ચીનથી ફિશીંગ માટે ઇરાન જઇ રહેલા 10 ટ્રોલરો અરબી સમુદ્રમાં પ્રવેશતાંજ દરીયાનાં પ્રતિકૂળ હવામાનનો ભેટો થયો હતો. આ ટ્રોલરોને સૌપ્રથમ ભારતીય કોસ્ટગાર્ડે જ કેરળ પાસે ટ્રેસ કર્યા હતા. દરમ્યાન મુંબઇનાં મેરીટાઇમ રેસ્ક્યુ કો-ઓર્ડીનેશન સેન્ટરને ચાઇનીઝ મેરીટાઇમ રેસ્ક્યુ કો-ઓર્ડીનેશન સેન્ટરે આ 10 ટ્રોલરોને આશ્રય આપવા વિનંતી કરી હતી. આથી કોસ્ટગાર્ડે તમામને માઢવાડ અખાત અને દિવ પાસે લાંગરવા જણાવ્યું હતું. દરમ્યાન તેના પર ભારતીય કોસ્ટગાર્ડનાં શીપ વિજીતને મોકલાયું હતું. જેની મદદે એક હેલિકોપ્ટર પણ સામેલ થયું હતું.

તમામ ચાઇનીઝ ટ્રોલરોને તેમની ઓટમેટિક આઇડેન્ટીફિકેશન સીસ્ટમ ચાલુ રાખવા, રોજેરોજ તેમનું લોકેશન દર્શાવતો અહેવાલ આપવા, તેમની માછીમારીનાં ગિયરો બંધ રાખવા, તેમનાં પૂર્વાગમનની માહિતી આપવા, કુદરતી આપત્તિ વખતે સ્થાનિક એજન્ટની નિમણૂંક કરવા અને કોલ માટેનાં આગામી બંદર વિશે માહિતગાર રાખવા સુચના અપાઇ હતી. 2 જુલાઇએ આ ટ્રોલરો દિવની દક્ષિણ-પૂર્વે 20 નોટીકલ માઇલ દૂર લાંગરવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડનાં હેલિકોપ્ટરે દસેય ટ્રોલરોમાં માણસો ઉતારી તપાસ કરી હતી.