પોરબંદરમાં ટોળું બેકાબુ : 2 પોલીસકર્મી સહિત કુલ 7 વ્યક્તિઓને ઈજા પહોંચી : ટીયરગેસ છોડાયા
પોરબંદરમાં આજે તોફાની બનેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જિલ્લા કલેક્ટર નજીક જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દલિત સમાજે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપ્યા બાદ કેટલાક તોફાની ટોળું રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને પોલીટેકનીક કોલેજ નજીક એક ખાનગી બસને રોકાવીને તેમાંથી મુસાફરોને ઉતાર્યા બાદ પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ એ બસને આગ ચાંપી દીધી હતી. આગની લપેટમાં બસ આવી જતાં દૂર-દૂર સુધી આગના ધૂમાડાઓ જોવા મળતા હતા. જો કે પોલીસકાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલીક દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી હતી. પરંતુ તે પહેલા બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
દલિત સમાજે શાંતિપૂર્ણ રીતે આવેદન આપ્યા બાદ જિલ્લા કલેકટર કચેરી નજીક અફડાતફડીનો માહોલ
પોલીસની ઉપસ્થિતિમાં જ પથ્થરમારો શરૂ કરીને ડી.વાય.એસ.પી. ની ગાડી અને અન્ય ખાનગી 3 કારમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં, ડી.વાય.એસ.પી. કચેરીના બારીના કાચ પણ તોડ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા અંતે પોલીસે ટીયરગેસના સેલ છોડવાનું શરૂ કરી દીધું હતું તેમજ લાઠીચાર્જ પણ શરૂ કરતા ટોળું વિખેરાયું હતું. બે કલાક સુધી નેશનલ હાઈવે ઉપર અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદરમાં ટોળાએ કરેલા પથ્થરમારામાં બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટના બાદ પણ કલાકો સુધી ટોળું નેશનલ હાઈવે ઉપર જોવા મળ્યું હતું આ રીતે શહેરમાં ટોળાના તોફાનને લઈને અજંપાભરી શાંતિ જોવા મળી હતી.
ડી.વાય.એસ.પી. પણ ઈજાગ્રસ્ત બન્યા
પોરબંદર ગ્રામ્ય ડી.વાય.એસ.પી. ની કચેરી ખાતે ટોળું ધસી આવ્યું હતું અને આડેધડ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં ડી.વાય.એસ.પી. જાડેજાને ઈજા પહોંચી હતી જો કે આ ઈજા સામાન્ય હતી. અન્ય બે પોલીસકર્મીઓ પણ ટોળા સાથેના ઘર્ષણ સમયે ઈજાગ્રસ્ત બન્યા હતા.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....