તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં બોક્સાઈટના 60 માંથી 30 કારખાના બંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બોક્સાઈટના ઉદ્યોગને પ્રોત્સાહન નહીં મળતા મંદીમાં ગરક થઈ ગયો : મોટાભાગના ઉદ્યોગો મરણપથારીએ

પોરબંદર: પોરબંદરનું અર્થતંત્ર ફિશરીઝ, ખેતી અને લાઈમસ્ટોન-બિલ્ડીંગસ્ટોન ઉપર આધારીત છે. તો બીજી તરફ ઉદ્યોગોને કોઈ યોગ્ય પ્રોત્સાહન નહીં મળતા નાના-મોટા અનેક ઉદ્યોગો મરણપથારીએ પડ્યા છે. પોરબંદરમાં એકસમયે બેરીંગ ઉદ્યોગ ધમધમતો હતો પરંતુ પ્રોત્સાહનના અભાવે આ ઉદ્યોગ પણ પડી ભાંગ્યો છે. હવે બોક્સાઈટના ઉદ્યોગની પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે એક સમયમાં બોક્સાઈટના 60 જેટલા કારખાનાઓ હતા તે પૈકીના 30 કારખાનાઓને અલીગઢી તાળા લાગી ગયા છે.

પોરબંદરમાં એક સમયમાં એચ.એમ.પી. સિમેન્ટ ફેક્ટરી, મહારાણા મીલ, જગદીશ મીલ જેવા અનેક મોટા ઉદ્યોગો આવેલા હતા. જેને કારણે પોરબંદર ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ કરી રહ્યું હતું પરંતુ આ ત્રણેય મોટા ઉદ્યોગો બંધ થઈ ગયા, અનેક લોકોની રોજીરોટી છીનવાઈ. હાલ માત્ર પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેક્ટરી આવેલી છે જે અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. જી.આઈ.ડી.સી. વિસ્તારની વાત કરીએ તો બેરીંગ ઉદ્યોગક્ષેત્રે પોરબંદરનું એક આગવું સ્થાન હતું.

સમય જતાં આ ઉદ્યોગમાં રાજકોટ આગળ પડતું થયું જેને કારણે પોરબંદરનો બેરીંગ ઉદ્યોગ પણ પડી ભાંગ્યો. પોરબંદર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં બોક્સાઈટના 60 જેટલા કારખાનાઓ ધમધમતા હતા. કારણ કે કલ્યાણપુર અને ભાટીયા વિસ્તારમાંથી બોક્સાઈટના કાચા મટીરીયલની આવક થતી હતી. અહીં બોક્સાઈટ પકવવા માટેના કારખાનાઓ આવેલા હતા. સમય જતાં આ ઉદ્યોગમાં પણ હરીફાઈ વધી તો તેની માંગ પણ ઘટવા લાગી જેને લઈને ધીમેધીમે 30 જેટલા બોક્સાઈટના કારખાનાઓ બંધ થઈ ગયા અને હાલ જે કારખાનાઓ છે તે મરણ પથારીએ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

પોરબંદર જી.આઈ.ડી.સી. માં આવેલા ઉદ્યોગોને સરકાર પ્રોત્સાહન આપે તો જ ફરી જીવંત થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવા અનેક લઘુઉદ્યોગો છે જે સરકારના સહકારની અપેક્ષા રાખીને બેઠા છે. તો બીજી તરફ જી.આઈ.ડી.સી. ના નિયમો પણ આકરા લાદી દેવામાં આવ્યા છે. રાજ્યસરકાર પોરબંદરમાં આવેલા ઉદ્યોગોને પ્રોત્સાહન આપે તેવી માંગણી ઉદ્યોગકારો દ્વારા થઈ રહી છે.

બોક્સાઈટમાં મંદીના કારણે કારખાનેદારે જીવન ટુંકાવ્યું

પોરબંદરની શાંતિકુંજ સોસાયટીમાં રહેતા જયંતકુમાર તુલસીદાસ શાગળીયા (ઉ. વર્ષ 52) એ પોતાની આર્થિક બેકારીને કારણે કંટાળી જઈ પોતાની મેળે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. કારખાનેદાર પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં બોક્સાઈટના ધંધામાં મંદી હોવાને કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. બોક્સાઈટનો ઉદ્યોગ મંદીમાં ફસાયો છે ત્યારે આ ઉદ્યોગ સાથે જોડાયેલા ધંધાર્થીએ આપઘાત કરી લેતા ભારે ચર્ચા જાગી છે.
અન્ય સમાચારો પણ છે...