ભાજપે ગરીબોનું અન્ન છીનવી લીધું હવે છાપરૂં છીનવવા નીકળ્યા છે : મોઢવાડીયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ પોરબંદરમાં ગરીબોના મકાનો તોડી પાડવાના નગરપાલિકાના નિર્ણયને લઈને જબરો વિવાદ થયો છે. ગરીબોના મકાનો તોડી પાડીને કિંમતી જમીન પચાવી પાડવાના ભાજપ સરકારના નિર્ણયના વિરોધમાં આજે પોરબંદર કોંગ્રેસ દ્વારા સુદામા ચોકમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અર્જુનભાઈ મોઢવાડીયાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગરીબોનું અન્ન છીનવી લીધું છે હવે છાપરૂં છીનવવા નીકળ્યા છે પરંતુ હું ગરીબોની સાથે છું અને જો ગરીબોના મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે તો પ્રથમ મારી ઉપર ફેરવવું પડશે.
પોરબંદરમાં ગરીબોના મકાનો તોડી પાડવાના વિરોધમાં કોંગ્રેસે જાહેરસભા અને રેલીનું આયોજન કર્યું

પોરબંદરમાં મીશન સીટી અંતર્ગત બનાવવામાં આવેલા 2448 આવાસો હવે જરૂરીયાતમંદ પરિવારોને સોંપવામાં આવશે તે પૂર્વે નગરપાલિકાએ ખાડીકાંઠા સહિતના વિસ્તારના મકાનો તોડી પાડવાનો નિર્ણય કરતાં જબરો વિવાદ થયો છે અને આ મુદ્દે કોંગ્રેસે આજે સુદામાચોક ખાતે એક જાહેરસભાનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સભાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ પ્રથમ મોદી સરકારને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા મોટા પુરા વાળી ગયા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કાળુ નાણું પાછું લાવશે અને દરેક નાગરીકના બેન્ક ખાતામાં 15 લાખ જમા થશે. પરંતુ હજુ 15 પૈસા પણ જમા થયા નથી ! મોંઘવારી હટાવવાની વાત કરી હતી પરંતુ આજે દાળના ભાવ, શાકભાજીના ભાવ અને દૂધના ભાવ આસમાને પહોંચ્યા છે. ગરીબોને બી.પી.એલ. હેઠળ મળતું અનાજ પણ પૂરતું આપવામાં આવતું નથી. પ્રથમ અનાજ છીનવી લીધું હવે પોરબંદરમાં ગરીબોનું છાપરૂં છીનવવાનો પ્રયત્ન ભાજપ કરી રહ્યું છે પરંતુ કોંગ્રેસ ગરીબોના માં-બાપ બનીને સાથે રહેશે.

મોઢવાડીયાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, કેબીનેટ મંત્રીએ એ.સી.સી. ની 100 વીઘા જમીન પચાવી પાડી છે. ગરીબોને મકાન આપવા હોય તો એ.સી.સી. ની જમીનમાં 50 વારના પ્લોટ આપો અને મકાન બાંધવા માટે પૈસા આપો ત્યાં ગરીબો જવા માટે તૈયાર છે પરંતુ ખંઢેર જેવા આવાસોમાં ગરીબોને રહેવા જવું મંજુર નથી. ભાજપના આગેવાનોની જ્યાં-જ્યાં નજર પડે છે ત્યાં જમીન પચાવી પાડે છે.
બિરલા હોલની સામે આવેલી વર્ષો જુની ખાડી બુરીને જમીન પચાવી પાડવાનો કારસો પણ થઈ રહ્યો છે તેવા આક્ષેપો પણ અર્જુનભાઈ મોઢવાડીયાએ કર્યા હતા. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને અમિત શાહને ઉંઘવા દીધા નથી તો સ્થાનિક ભાજપના આગેવાનો જો ગરીબોના મકાનો તોડી પાડશે તો તેને પણ ઉંઘવા દેશું નહીં. સભા બાદ ખાડીકાંઠા વિસ્તારના લોકોને સાથે રાખી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને નગરપાલિકા કચેરી ખાતે મકાનો તોડી પાડવાના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન સામતભાઈ ઓડેદરા, રામદેવભાઈ મોઢવાડીયા, જીતુભાઈ આગઠ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ટાઉન પ્લાનિંગમાં ફ્લેટ દીઠ 1 લાખ રૂપીયા ઉઘરાવ્યા : મોઢવાડીયા

કોંગ્રેસના આગેવાન અર્જુનભાઈ મોઢવાડીયાએ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમીટીને પણ આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, ફ્લેટ દીઠ 1 લાખ રૂપીયાનું ઉઘરાણું કર્યું છે તે ફ્લેટ કાયદેસર છે જ્યારે ગરીબોના મકાનો ગેરકાયદેસર છે તેમ કહીને તેને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે પરંતુ કોંગ્રેસ ગરીબોનો આશરો કોઈપણ સંજોગોમાં ઝુંટવવા નહીં દે.

ભાજપના આગેવાનોએ દૂધમાંથી મલાઈ તારવી છે : રામદેવભાઈ

પોરબંદરમાં ગરીબોના મકાન તોડી પાડવાના મુદ્દે યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ સુદામા ડેરી અંગે એવું જણાવ્યું હતું કે, 1 લીટર દૂધમાં 3 રૂપીયા ઓછા આપીને સુદામા ડેરીના સંચાલકોએ પોતાના ખિસ્સા ભર્યા છે. આ ઉપરાંત જિલ્લામાં બનાવવામાં આવેલા તળાવો પણ કાગળ ઉપર કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા.
મહિલાઓએ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરી છાજીયા લીધા !
પોરબંદર નગરપાલિકાએ જ્યારથી ખાડીકાંઠા સહિતના વિસ્તારોમાં રહેતા ગરીબોના મકાનો તોડી પાડવાનો નિર્ણય કર્યો છે ત્યારથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સભા બાદ કોંગ્રેસે એક રેલી કાઢીને નગરપાલિકાએ આવેદનપત્ર આપ્યું ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને નગરપાલીકાના આંગણામાં જ ભાજપ વિરોધી સુત્રોચ્ચારો કરીને છાજીયા લીધા હતા. પોતાનો આશરો છીનવાઈ રહ્યો છે ત્યારે કેટલીક મહિલાઓ પોતાના દૂધપીતા બાળકોને લઈને સભામાં અને રેલીમાં આવી પહોંચી હતી અને પાલિકાના શાસકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...