Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
24.25 લાખના ખર્ચે સુદામા મંદિરનું થશે રીનોવેશન
પોરબંદરનું પૌરાણિક સુદામા મંદિરમાં રંગરોગાન, પટાંગણમાં સમારકામ તેમજ બંધ ઘીની લેબોરેટરીમાં રીનોવેશન સહિતના કામ માટે પ્રવાસન વિભાગ દ્વારા 24.25 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.
ભારતભરનું એકમાત્ર સુદામાજીનું મંદિર પોરબંદર ખાતે આવેલ છે. આ મંદિરે દેશ-વિદેશમાંથી અનેક પ્રવાસીઓ મંદિરની મુલાકાત અને દર્શનાર્થે આવે છે. આ પૌરાણિક મંદિરમાં સમારકામ માટે પ્રવાસન વિભાગ દ્વારા 24.25 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. આ મંદિરમાં આવેલી વર્ષો જુની બંધ પડેલ ઘીની લેબોરેટરીમાં સુધારા-વધારા કરવામાં આવશે, જેમાં પ્લાસ્ટર, કલરકામ, અગાસીમાં નવું ફલોરીંગ, રૂમમાં નવી ટાઇલ્સ, પેવરબ્લોકનું કામ, લાકડાનું કામ, નવા બારી-દરવાજા, પ્લમ્બીંગ, પાણીની ટાંકી, સુદામા મંદિરના પટાંગણમાં પ્લાસ્ટર, કલરકામ, મંદરના પટાંગણમાં આવેલ વોલ પેઇન્ટીંગ પર જીઆઇસીટનું છાપરૂ તેમજ કલરકામ કરવામાં આવશે. જુના ચબૂતરાને તોડીને ત્યાં નવી પાર્ટીશન દિવાલ તેમજ નવી સીડી બનાવવામાં આવશે. મુખ્ય મંદિરમાં કલરકામ કરવામાં આવશે તેમજ નવો વોટરરૂમ બનાવવામાં આવશે. આમ 24.25 લાખ રૂપિયાના ખર્ચે પૌરાણિક સુદામા મંદિર નવા રૂપરંગ ધારણ કરશે. હાલ આ કામ માટેની કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો છે અને કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે.