તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસા દરમિયાન વરસાદ નહીવત પડતા બરડા પંથકનાં જીવાદોરી સમાન જળાશયો તળીયાઝાટક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ઓછો વરસાદ પડતા બરડા પંથકની જીવાદોરી સમાન બરડાસાગર ડેમ ચાલુ વર્ષે ખાલીખમ થઈ ગયો છે.

પોરબંદર નજીક આવેલ બરડાસાગર ડેમનું પાણી બરડાપંથકના 13 જેટલા ગામના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બને છે અને દર વર્ષે આ ડેમમાંથી સિંચાઈના પાણીનો પણ લોકો લાભ લઈ રહ્યા છે. ગત વર્ષે સારો વરસાદ હતો જેને કારણે જાન્યુઆરી માસમાં પણ બરડાસાગર ડેમમાં 12 ફૂટ પાણીની માત્રા હતી અને સિંચાઈ માટે અનેક ખેડૂતોએ આ પાણીનો લાભ લીધો હતો. પરંતુ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પોરબંદર જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હતો. ચોમાસું પૂરૂં ન થયું હતું તે સમયમાં જ પાણી માટે પોકાર ઉઠ્યા હતા. જિલ્લાભરના નાના-મોટા નદી-નાળાઓ, ચેકડેમો, તળાવો પણ શિયાળાના પ્રારંભમાં જ ખાલીખમ થઈ ગયા હતા. ત્યારે બરડાસાગર ડેમની વાત કરીએ તો બરડાપંથકના જીવાદોરી સમાન આ ડેમમાં ગત વર્ષે જાન્યુઆરીમાં 12 ફૂટ પાણી ભરેલું હતું પરંતુ ચાલુ વર્ષે આ સમયમાં ડેમ તળીયાઝાટક થઈ ગયો છે. જેથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. બરડાસાગર ડેમ ખાલીખમ થઈ ગયો હોય અને પાણીના તળ પણ વાવ-કૂવામાં નીચે ગયા હોય જેથી ઉનાળાની ઋતુ દરમિયાન આ પંથકમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવાની નોબત આવશે

શિયાળુ પાક માટે ખેડૂતો મુંઝવણમાં
બરડા પંથકમાં આવેલ બરડાસાગર ડેમ ચાલુ વર્ષે શિયાળાના પ્રારંભમાં જ ખાલીખમ થઈ ગયો હોવાથી આ પંથકના ખેડૂતો મુંઝવણમાં મૂકાઈ ગયા છે. કારણ કે દર વર્ષે આ ડેમમાંથી શિયાળુ પાક માટે ખેડૂતો સિંચાઈના પાણીનો લાભ લેતા હતા. પરંતુ હાલ મોટાભાગના ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે ત્યારે ડેમ ખાલીખમ થતા પાક નિષ્ફળ જવાની દહેશત ઉદભવી છે.

ક્યા-ક્યા ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે છે ?
બરડાસાગર ડેમમાંથી બરડાપંથકના 13 જેટલા ગામડાઓના ખેડૂતો દર વર્ષે સિંચાઈના પાણીનો લાભ લેતા હતા. ભારવાડા, સીમાણી, દેગામ, રીણાવાડા, કાંટેલા, શ્રીનગર, રાતડી, બરડીયા, પાલખડા, કેશવ, મોઢવાડા, કિંદરખેડા વગેરે ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણીનો લાભ લેતા હતા. તસ્વીર: રામ મોઢવાડીયા

અન્ય સમાચારો પણ છે...