પોરબંદરમાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદે આજે પણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદે આજે પણ બેટીંગ ન મુકી દેધનાધન ચાલુ રાખતા પોરબંદરના બરડા પંથકમાં 8 થી 10 ઇચ અને સમગ્ર જીલ્લામાં 1 થી 3 વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે અનેક નવરાત્રી મહોત્સવ મોકૂફ રખાયા છે. તો નદીનાળા અને ડેમ છલકાતા 47 ગામોને એલર્ટ કરાયા છે. પોરબંદરમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધી વરસેલા વરસાદે પોરબંદરના બરડા પંથકના સોઢાણા, અડવાણા, કિંદરખેડા, બગવદર, શીશલી, મોરાણા, સહિતના ગામોમાં 8 થી 10 ઇચ પાણી વરસાવી દીધુ છે. તો પોરબંદર તાલુકામાં 2 ઇચ, રાણાવાવ તાલુકામાં 3 ઇચ અને કુતિયાણા તાલુકામાં 2 ઇચ વરસાદ નોંધાયો છે.

બરડા પંથકમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે તો કુતિયાણા તાલુકાના અનેક ગામો અને ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. તો બરડા પંથક નજીક આવેલા વર્તુ-2 ડેમના 12 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ 17,880 કયૂસેક રહેશે. જયારે રાણાવાવ નજીકનો ફોદાળા ડેમ 100 ટકા ભરાઇ જતા હાઇ એલર્ટ કરવામાં આવ્યુ છે. રાણાવાવ તાલુકાના 22 ગામોને સાવચેત રહેવા જણાવાયુ છે. આ ઉપરાંત ભાદર ડેમ-2માં પણ ઉપરવાસમાં વરસાદ હોવાથી આ ડેમના કુલ 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેમાં પાણીનો પ્રવાહ 33,000 કયૂસેક પ્રતિસેકેન્ડ છે. આ ડેમનું પાણી કુતિયાણા તાલુકામાં થઇને ઘેડ વિસ્તારમાં આવે છે તેથી 15 ગામોને સાવચેત કરાયા છે. જયારે બીજી તરફ નવરાત્રીનો તહેવાર શરૂ થઇ ગયો હોય લોકો નવરાત્રી માણવા થનગની રહયા છે ત્યારે વરસાદે ભીનો કહેર વરસાવતા નવરાત્રી રાસોત્સવના અનેક આયોજન 2 દિવસ માટે મોકૂફ રખાયા છે. રાસોત્સવના આયોજન ચોપાટી પર જયાં કરવામાં આવ્યા છે ત્યાં વરસાદી પાણી ભરાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...