પોરબંદરના દરિયામાં પ્રદુષણથી વધુ એક વખત અનેક માછલાના મોત થયાં
પોરબંદરના દરિયામાં પ્રદુષણથી વધુ એક વખત અનેક માછલાના મોત નિપજ્યા હોવા અંગે માછીમારો લાલધૂમ થયા છે. પોરબંદરના દરિયાઇ વિસ્તારમાં પ્રદુષણના કારણે માછલાના મોત થતા હોવાથી માછીમારોને દૂરદૂર સુધી માછીમારી કરવા માટે જવાની નોબત આવી રહી છે. ખાનગી કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સમુદ્રમાં છોડવામાં આવતું હોવાના કારણે દરિયાઈ જીવસૃષ્ટિને ભારે નુકશાન થઇ રહ્યું છે. અને માછલાઓ પણ મોતને ભેટી રહ્યા છે. પોરબંદર સહિત ગુજરાતમાં સોળસો કીલોમીટર દરીયા કિનારો આવેલ છે ત્યારે દરિયા કિનારા વિસ્તારમાં અનેક ખાનગી કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવવામાં આવતું હોવા અંગે માછીમાર બોટ એસોસીએસનના પ્રમુખ જીવનભાઈ જુંગીએ અનેક વખત તંત્રને રજૂઆત કરી હતી. વધુ એક વખત તેઓએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે પોરબંદરના સમુદ્રમાં કેમિકલયુક્ત ગરમ પાણીનો ધોધ ઠલાવવામાં આવતો હોવાથી માછલાઓનું નિકંદન નીકળી રહ્યું છે. અને દરિયાઈ જીવ સૃષ્ટિ જોખમમાં મુકાઇ રહી હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.
દરિયામાં ઊંડે સુધી માછીમારી કરવા માટે જવું પડે
દરિયામાં કેમિકલયુક્ત પાણી ઠલવાતું હોવાના કારણે માછલા મોતને ભેટી રહ્યા હોવાથી માછીમારોને ઊંડે સુધી સમુદ્રમાં માછીમારી કરવા માટે જવાની નોબત પડી રહી છે. જેથી માછીમારોને ડીઝલનો ખર્ચ થતો હોય અને ઊંડે સુધી માછીમારો સમુદ્રમાં માછીમારી કરવા જવાની સ્થિતી ઉભી થાય છે.