તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં જશને સમુહશાદીનું આયોજન, 14 એપ્રિલે 17 યુવક-યુવતિઓ નિકાહ પઢશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં ઠક્કર પ્લોટ નજીક શાહ મુરાદશાહ પીરના તકીયા પાસે આવેલ ઉમ્મીદ સોશ્યલ ટ્રસ્ટ દ્વારા દ્વિતિય જશને સમુહશાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી તા. 14 એપ્રિલને રવિવારના દિવસે સંધી જમાતખાના પાસે કાર્યક્રમ યોજાનાર છે જેમાં પોરબંદર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી 17 યુવક-યુવતીઓ નિકાહ પઢશે.

પોરબંદરમાં 15 એપ્રિલના ચૈત્રી નવરાત્રીની ઉજવણી પ્રસંગે મહાપ્રસાદી યોજાશે
પોરબંદર | પોરબંદર શહેરમાં આવેલ સુદામા ચોક નજીક મામા કોઠા મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મામા કોઠા મંદિર મિત્ર મંડળ દ્વારા આગામી તા. 15 એપ્રિલના સોમવારે સવારે ધ્વજારોહણ, પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. આ તકે મામા કોઠા મિત્રમંડળ દ્વારા ધર્મપ્રેમીજનોને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

લાયોનેસ ક્લબ દ્વારા સત્સંગ હોલના નિર્માણ માટે સીમેન્ટની થેલી અર્પણ કરાઈ
પોરબંદર | લાયોનેસ ક્લબ દ્વારા અવારનવાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે દાતાઓના સહયોગથી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે સત્સંગ હોલ તથા બટુકભોજન માટેનો હોલ બનાવી આપવા માટે વધુ એક વખત સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી. 50 બોરી સીમેન્ટ આપી ભગીરથ કાર્ય કરાયું હતું. આ તકે લાયોનેસ ક્લબના પ્રમુખ જ્યોતિબેન મસાણી, કમળાબેન કોટેચા, હર્ષિદાબેન થાનકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બરડાપંથકના ગામડાઓમાં SRP જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી
સોઢાણા | ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે બરડાપંથકના ગામડાઓમાં એસ.આર.પી. જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. બરડાપંથકના શીશલી, શીંગડા, ફટાણા, ભોમીયાવદર, અડવાણા, સોઢાણા, મજીવાણા, ખાંભોદર જેવા ગામોમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બગવદર પોલીસ સાથે એસ.આર.પી. ની ટુકડીઓ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

પોરબંદરની કોલેજમાં દીક્ષાંત સમારોહ યોજાયો
પોરબંદર |માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલીત શિક્ષણ, શિસ્ત અને સંસ્કારનું ઘડતર કરતી ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજનો 12 મો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમના સેક્રેટરી સ્વામી આત્મદીપાનંદજીએ કહ્યું હતું કે મેન મેકીંગ કેરેક્ટર બિલ્ડીંગ એજ્યુકેશન એ રાષ્ટ્રની માંગ છે. આજના માહોલમાં નીતિમત્તાના મૂલ્યોના ધોરણ માટે અધકચરૂં શિક્ષણ જવાબદાર છે. આ તકે વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો વાગોળી પોતપોતાના પ્રતિભાવ આપ્યા હતા.

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ડે ની ઉજવણી થઈ
પોરબંદરમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દિવસની ઉજવણીનું આયોજન થયું હતું. રાણાવાવ અને પોરબંદર એમ 2 સ્થળોએ સિનીયર સિટીઝનો માટે મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ વિનામૂલ્યે સારવાર આપી હતી. 2 સ્થળોએ યોજાયેલ કેમ્પમાં 125 જેટલા દર્દીઓની તપાસ થઈ હતી અને તેઓને નિ:શુલ્ક દવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના ચેરમેન સી.જી. જોષી, સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...