તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્લી ગોસાબારા જળાશયમાં માછીમારી કરતો એક ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ મામલતદારે ચેકીંગ હાથ ધરતા માછીમારીની જાળ, 25 કિલો માછલીનો જથ્થો ઝડપાયો હતો

{ પ્રતિબંધ છતાં બેરોકટોક માછીમારી થાય છે

ક્રાઇમ રીપોર્ટર.પોરબંદર

પોરબંદરનજીકના કર્લી ગોસાબારા જળાશયમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ વિહરતા હોય ત્યારે તેની સુરક્ષાને ધ્યાને લઈને જળાશયના વિસ્તારમાં માછીમારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં તંત્રને અંધારામાં રાખીને કેટલાક શખ્સો વિસ્તારમાં માછીમારી કરે છે. આજે મામલતદારે ચેકિંગ હાથ ધરીને એક શખ્સને માછીમારી કરતો ઝડપી લીધો હતો.

કર્લી ગોસાબારા જળાશયમાં માછીમારી ઉપર પ્રતિબંધ હોવા છતાં કેટલાક માછીમારો વિસ્તારમાં માછીમારી કરે છે. અગાઉ પણ ખુદ કલેક્ટરે દરોડો પાડીને માછીમારી કરતા શખ્સોને ઝડપી લીધા હતા. તેમ છતાં કેટલાક શખ્સો હજુ પણ માછીમારી કરતા હોય તેવી ફરીયાદ મામલતદાર આર.આર. ગરોડને મળતા તેઓએ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન એક શખ્સ માછીમારી કરતો નજરે પડતાં તેમને ઝડપી લીધો હતો અને તેમની પાસેથી માછીમારીની જાળ અને 25 કિલો માછલીનો જથ્થો કબ્જે કર્યો હતો અને શખ્સનો કબ્જો પોલીસને સોંપ્યો હતો.

કર્લી જળાશય વિસ્તારમાં માછીમારી થાય તે અંગેની તકેદારી વનવિભાગ અને પોલીસે રાખવાની હોય છે તેમ છતાં વિસ્તારમાં માછીમારી કરતા શખ્સોને અટકાવવામાં આવતા નથી. કલેક્ટર અને મામલતદારને દરોડા પાડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજારોની સંખ્યામાં વિસ્તારમાં પક્ષીઓ વિહરતા હોય માછીમારીને કારણે તેમને ખલેલ પહોંચતી હોય તેમજ કુંજ જેવા પક્ષીઓનો શિકાર પણ થતો હોય તમામ કારણોને ધ્યાને રાખીને માછીમારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં કેટલાક શખ્સો તંત્રને અંધારામાં રાખીને માછીમારી કરી રહ્યા છે ત્યારે તેની સામે આકરા પગલા લેવાની માંગ પ્રકૃત્તિ પ્રેમીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...