આગામી 3 વર્ષમાં ભારતને તાલીમ પામેલી 50 લાખ નર્સની જરૂરીયાત ઉભી થશે
એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર
પોરબંદરના છાંયાની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજમાં લેમ્પ લાઈટીંગ અને ઓથ સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. જે.પી. મૈયાણી તથા નર્સિંગ કોલેજના મુખ્ય દાતા અવિનાશ બદિયાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાઈસ ચાન્સેલર ડો. જે.પી. મૈયાણીએ પોતાનું ઉદબોધન આપતા નર્સિંગના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે નર્સિંગના વિદ્યાર્થીઓ સારી સુવિધાયુક્ત તાલીમ મેળવીને આજીવન માનવતાનું કાર્ય કરવા માટે કટીબદ્ધ બને છે ત્યારે તેમની સેવાના માનવીય ગુણોને કેળવીને તેમના જીવનને જરૂરથી ધન્ય બનાવવા અનુરોધ કર્યો હતો. નર્સિંગના વિદ્યાર્થીઓના હાથમાં જ માનવીની જીંદગી છે ત્યારે તે માણસને નવું જીવન આપનાર મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ જ હોય છે. અંતમાં સ્વામિનારાયણ ગુરૂકુળ સાથે પોતાના આત્મીય સંબંધોને યાદ કરીને સંસ્થાની પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી.