પોરબંદર શહેરથી 4 કિમી દૂર પોસ્ટ ઓફિસનું સ્થળાંતર થતાં આક્રોશ
પોરબંદર શહેરમાં જી.આઈ.ડી.સી. ઉદ્યોગનગર વિસ્તારના સ્થાનિકોનો ઉગ્ર વિરોધ હોવા છતાં પોસ્ટઓફિસ બંધ કરી દેવાઈ છે અને આ પોસ્ટઓફિસને 4 કિલોમીટર દૂર એરપોર્ટ સામે મેઈન રોડ ઉપર સ્થળાંતર કરાયું હોવાથી મહિલા અગ્રણીએ યોગ્ય કરવા રજુઆત કરી હતી.
પોરબંદર શહેરમાં જી.આઈ.ડી.સી. પોસ્ટઓફિસનું સ્થળાંતર કરવાની ચર્ચાઓ જાગતા જ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને એવું જણાવ્યું હતું કે જો આ પોસ્ટઓફિસનું અહીંથી સ્થળાંતર થશે તો દૂર દૂર સુધી ધરમના ધક્કા થશે અને ઉદ્યોગનગરના સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સ્થાનિકોની ઉગ્ર રજૂઆતો હોવા છતાં પણ રાતોરાત તંત્રએ જી.આઈ.ડી.સી. સોસાયટી વ્રજભુવન સોસાયટી મેઈન રોડ, એરપોર્ટ સામેના રોડ પર ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે બ્રહ્મસમાજના મહિલા અગ્રણી ક્રિષ્નાબેન ઠાકરે રોષભેર રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે, જુની કે નવી બન્ને જી.આઈ.ડી.સી. ને આ પોસ્ટઓફિસ દૂર પડી જશે છતાં પણ જી.આઈ.ડી.સી. પોસ્ટઓફિસનું સ્થળાંતર કેમ કરવામાં આવ્યું છે ω લોકોનો વિરોધ હોવા છતાં પોસ્ટઓફિસનું સ્થળાંતર રાતોરાત કરવામાં આવ્યું હોવાથી તાત્કાલીક ધોરણે પોસ્ટઓફિસને જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.