Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા તમામ બસ રૂટો બીજા દિવસે પણ બંધ : મુસાફરોને હાલાકી
ઉનામાંદલિતો ઉપર થયેલા અત્યાચારને લઈને છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તંગદીલીભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એસ.ટી. બસને આગ ચાંપી દેવાની ઘટના પણ બની છે જેને પગલે પોરબંદર એસ.ટી. ડેપોએ મંગળવારે મોટાભાગના રૂટો બંધ કર્યા હતા. આજે પણ તમામ રૂટો બંધ રહેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો.
ઉનાના સમઢીયાળા ગામે દલિતો ઉપર થયેલા અત્યાચારોને લઈને સમગ્ર ગુજરાતના દલિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેરઠેર આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તો કેટલાક સ્થળોએ તોફાનો પણ થયા છે અને એસ.ટી. બસોને આગ પણ ચાંપી દેવામાં આવી છે. બે દિવસ પહેલા ધોરાજીના ભૂખી નજીક પોરબંદર એસ.ટી. ડેપોની બસને આગ ચાંપી દેવામાં આવી હતી. ત્યારબાદ પોરબંદર એસ.ટી. ડેપોએ મોટાભાગના રૂટો રદ કરી નાખ્યા હતા. આજે પણ ગુજરાતમાં સ્થિતિ થાળે પડી હતી અને ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હોય જેને પગલે આજે પણ પોરબંદર એસ.ટી. ડેપોના તમામ રૂટો રદ કરી નાખવામાં આવ્યા હતા. કુલ 63 જેટલા રૂટો ઉપર એસ.ટી. બસો દોડે છે તમામ રૂટો બંધ કરી દેવાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની પ્રજાને મુશ્કેલી વેઠવી પડી હતી.
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દલિતોના આંદોલનને પગલે તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પોરબંદર એસ.ટી. ડેપોએ મંગળવારે મોટાભાગના રૂટો બંધ કર્યા બાદ આજે બુધવારે પણ તમામ રૂટો રદ કર્યા હતા. જ્યાં સુધી પરિસ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી એસ.ટી. ના રૂટો શરૂ કરાશે નહીં. ગુરૂવારે કદાચ જામનગર રૂટ શરૂ કરાશે તેવું જાણવા મળી રહ્યું છે જ્યારે અન્ય બસરૂટો બંધ રાખવામાં આવશે. જો પરિસ્થિતિ કાબુમાં હશે તો અન્ય રૂટો તંત્રની મંજુરી બાદ શરૂ કરાશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.
જામનગર રૂટ શરૂ કરાય તેવી શક્યતા
બંધનાં એલાનને પગલે લોકોએ વધુ રૂપિયા ખર્ચી ખાનગી વાહનોનાે સહારો લેવો પડ્યો