• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વહેતા પાણીમાં સિમેન્ટ, કોંક્રીટ, રેતીનું મિશ્રણ ઠાલવી તંત્રએ કર્યું બુદ્ધીનું પ્રદર્શન

વહેતા પાણીમાં સિમેન્ટ, કોંક્રીટ, રેતીનું મિશ્રણ ઠાલવી તંત્રએ કર્યું બુદ્ધીનું પ્રદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર| પોરબંદર શહેરના મુખ્ય માર્ગ એમ.જી. રોડ ઉપર પાણીના નિકાલ માટે કામ થઈ રહ્યું છે. સીમેન્ટ, કોંક્રીટ અને રેતીનું મિશ્રણ કરી કામ કરાતું હતું. નજીકમાં પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હોવાથી કામના સ્થળે પીવાનું પાણી વહેતું હતું. વહેતા પાણીમાં સિમેન્ટ-કોંક્રીટ અને રેતીનું મિશ્રણ ઠાલવવામાં આવતું હોવાથી રેતી અને કોંક્રીટમાં રહેલ સિમેન્ટ પાણીમાં વહી જતી હતી. જેથી માત્ર સિમેન્ટ અને રેતીથી જ બાંધકામ થઈ રહ્યું હતું. કામમાં લોલમલોલ થતી હોવાની જાણ કોંગ્રેસને થતા તાત્કાલીક જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, રામદેવભાઈ મોઢવાડીયા સહિતના કાર્યકરો કામના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તેઓએ કામમાં થઈ રહેલ લોલમલોલ અંગે પાલિકાના ચીફ ઓફિસર સાથે ટેલીફોનિક વાતચીત કરતા બાંધકામ વિભાગના એન્જીનીયર કામના સ્થળે આવ્યા હતા. તેઓએ કામનું નીરીક્ષણ કરી નોટીસ ફટકારી તાત્કાલીક કામ અટકાવ્યું હતું.

કામના સ્થળે પીસીસી કરવા માંગ કરાઇ
યોગ્ય રીતે કામ નહીં કરાય તો રસ્તા રોકો આંદોલનની ચિમકી
જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા અને રામદેવભાઈ મોઢવાડીયાએ થઈ રહેલ કામનો ઉગ્ર વિરોધ કરી એવું જણાવ્યું હતું કે હાલ અહીં લોખંડની ખીલાસળીથી યોગ્ય રીતે બાંધકામ કર્યા વગર આડેધડ રીતે કોંક્રીટ-સીમેન્ટ વહેતા પાણીમાં ઠલવવામાં આવી રહી છે. ખૂબ જ નબળી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે. જેથી નિયમ મુજબ કામ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરશું તેવી ચિમકી ઉચ્ચારી હતી.

પાણીની પાઈપલાઈનનું તાત્કાલીક સમારકામ કરવા માંગ
પોરબંદર શહેરમાં સહયોગ હોસ્પિટલ સામે ચાલી રહેલ વરસાદી પાણીના નિકાલની કામગીરી સ્થળે પીવાના પાણીની પાઈપલાઈન લીકેજ થતી હોવાથી પીવાનું પાણી પણ મિશ્રણ થઈ રહ્યું છે. પીવાના પાણીની પાઈપલાઈન લીકેજ થતી હોવાથી પીવાનું પાણી દૂષિત થતું હોવાથી પોરબંદરવાસીઓના આરોગ્યને ધ્યાને લઈને તાત્કાલીક લીકેજ થયેલ પીવાના પાણીની પાઈપલાઈનનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

વરસાદી પાણીના નિકાલ માટે ગટરના કામમાં ક્યાંય પણ પી.સી.સી. કરવામાં આવ્યું નથી. પી.સી.સી. ઉપર સીલ પણ નહીંવત નાખવામાં આવ્યું છે. અને આ કામમાં વપરાયેલ સીલ ઓછા ડાયામીટરનું વપરાઈ રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી કામના સ્થળે ફરીથી યોગ્ય રીતે પી.સી.સી. કરાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...