હાઈવે તથા ગામડાંને જોડતા પુલીયા જર્જરીત

હાઈવે તથા ગામડાંને જોડતા પુલીયા જર્જરીત

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:35 AM IST
પોરબંદરનાં બરડા વિસ્તારનાં હાઈવે અને ગામડાને જોડતા રસ્તાઓનાં પુલો જર્જરીત હાલતમાં જોવા મળે છે. આ જર્જરીત પુલોને લીધે વાહનચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે, જેથી વહેલી તકે જર્જરીત પુલોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

પોરબંદરનાં ગ્રામ્ય વિસ્તારમાં 50 થી વધુ ગામો આવેલા છે. ગામથી ગામને જોડતા રસ્તા પરનાં પુલો જર્જરીત બન્યા છે. આ પુલની રેલીંગો તૂટી ગઈ છે અને દિવાલો જર્જરીત જોવા મળે છે. પોરબંદર-ખંભાળીયા હાઈવે ઉપર 4 થી 5 જેટલા પુલોની સાઈડો અને પુલ પણ જર્જરીત જોવા મળે છે. લાગતા વળગતા તંત્રને આ વિસ્તારનાં આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સમારકામની કામગીરી હાથ ધરાઈ નથી. પુલો જર્જરીત થતા વાહનચાલકોને હાલાકી ભોગવી રહ્યા છે. જર્જરીત પુલ પરથી પસાર થવું જોખમી બન્યું છે ત્યારે બેદરકાર તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું છે. જર્જરીત પુલને લીધે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર આ જર્જરીત પુલોનું સમારકામ તથા નવિનીકરણનું કામ વહેલી તકે કરવામાં આવે તેવી ઉગ્ર માંગ પ્રબળ બની છે.

તાત્કાલીક સમારકામની કામગીરી થાય તેવી માંગ

પોરબંદર-ખંભાળીયા હાઈવે પરનાં 6 અને ગ્રામ્યપંથકનાં 13 પુલો જર્જરીત હાલતમાં છે. ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં બેદરકાર તંત્ર ધ્યાન આપતું નથી. જર્જરીત પુલોનું સમારકામ અને નવિનીકરણની કામગીરી તાત્કાલીક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. તસ્વીર - જીતુ કારાવદરા

પોરબંદર ગ્રામ્યપંથકનાં જર્જરીત પુલો

ગ્રામ્યપંથકના જર્જરીત પુલો 13 જેટલા જોવા મળે છે જેમાં નાગકાથી બખરલા વચ્ચેનો પુલ, ખાંભોદરથી નાગકા વચ્ચેનો પુલ, વડાળાથી મીયાણી વચ્ચેનો પુલ, આંબારામાથી મોઢવાડા વચ્ચેનો પુલ, ફટાણાથી મોઢવાડા વચ્ચેનો પુલ, મોઢવાડાથી મીંયાણી વચ્ચેનો પુલ, પારાવાડાથી ભોમીયાવદર વચ્ચેનો પુલ, કુણવદરથી હાથલા વચ્ચેનો પુલ સહિત 13 જેટલા પુલ જર્જરીત જોવા મળે છે.

પોરબંદર-ખંભાળીયા હાઈવે પર જર્જરીત પુલો

પોરબંદર-ખંભાળીયા હાઈવે પર કુલ 6 પુલો જર્જરીત હાલતમાં જોવા મળે છે. જેમાં સોઢાણાથી મજીવાણા વચ્ચે 2 પુલો, બગવદરનો 1 પુલ, ખાંભોદરનો 1 પુલ, બાબડાના 2 પુલ, ભારવાડાનો 1 પુલ, દેગામનો 1 પુલ જર્જરીત છે.

સોઢાણા નજીક પુલની બન્ને સાઈડો બેસી ગઈ

પોરબંદરના સોઢાણા નજીક હાઈવે ઉપર સોરઠી નદીની ઉપર કરોડોના ખર્ચે 2 વર્ષ પહેલા બનેલ પુલની બન્ને સાઈડો બેસી ગઈ છે અને પુલ ઉપરની ગડરો બહાર નીકળી ગઈ છે. જેના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.

X
હાઈવે તથા ગામડાંને જોડતા પુલીયા જર્જરીત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી