પોરબંદરની મીડલ સ્કૂલ 15 વર્ષથી બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર

પોરબંદરના રાજાએ શૈક્ષણિક હેતુ માટે મીડલ સ્કૂલની જગ્યા ફાળવી હતી. પોરબંદરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ઉચ્ચશિક્ષણ મેળવીને પોતાની કારકિર્દી બનાવે અને આગળ વધે તે માટે મીડલ સ્કૂલની જગ્યા ફાળવવામાં આવી હતી. આ સ્કૂલનાં બાંધકામોમાં ઘોડા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સ્કૂલમાં રજવાડી નકશીકામ અને ઘોડાપથ્થરમાં ચાવીઓ મૂકીને બાંધકામ કરવામાં આવ્યું હતું જેથી ભૂકંપના આંચકા આવે તો પણ આ સ્કૂલની ઈમારત અડીખમ ઉભી રહી શકે તે રીતનું બાંધકામ કરવામાં આવ્યું હતું. હાલમાં પણ આ મીડલ સ્કૂલનું બાંધકામ મજબુત જોવા મળે છે.

એક સમયે આ સ્કૂલમાં 1 થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ આવતા હતા. મીડલ સ્કૂલની ખ્યાતી એવી હતી કે આ સ્કૂલમાં એડમીશન લેવા માટે પડાપડી થતી હતી. અનેક વિદ્યાર્થીઓએ આ સ્કૂલમાં અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવીને ઉચ્ચ શિખરો પ્રાપ્ત કર્યા છે. સરકાર શિક્ષણ માટે કરોડો રૂપીયા ખર્ચ કરે છે અને વેકેશન પૂર્ણ થતા પ્રવેશોત્સવ ઉજવે છે. પરંતુ મીડલ સ્કૂલ માત્ર મરામતના અભાવે, તંત્રની ઉદાસીનતાનાં કારણે અને ખાનગી શાળાઓને પ્રોત્સાહન મળે એ હેતુથી સ્કૂલને ફરીથી શરૂ કરવામાં આવતી નથી તેવું ચર્ચાઈ રહ્યું છે. સ્કૂલ ભવ્ય બાંધકામ ધરાવે છે. માત્ર રંગરોગાન કરીને આ સ્કૂલને ફરીથી શરૂ કરી શકાય તેમ છે છતાં શિક્ષણતંત્ર ભારે ઉદાસીનતા દાખવીને જાણે સરકારી સ્કૂલમાં રસ જ રહ્યો ના હોય તેવું વલણ દાખવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...