• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • તંત્રએ અન્ય 10 ગોડાઉનમાં મગફળીનો જથ્થો સંગ્રહ કરવા સાફ સફાઇ કરાવી

તંત્રએ અન્ય 10 ગોડાઉનમાં મગફળીનો જથ્થો સંગ્રહ કરવા સાફ સફાઇ કરાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના બંદર ઉપરના ગોડાઉનમાં મગફળીના જથ્થાનો સંગ્રહ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખએ કલેક્ટરને રજૂઆત કરી અન્ય સ્થળે મગફળીના જથ્થાનો સંગ્રહ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી.

પોરબંદરના સરકારી તંત્રએ બુદ્ધિનું દેવાળું કાઢીને બંદર વિભાગ હસ્તકના બંદરમાં આવેલ માછલાના 10 જેટલા ગોડાઉનની સાફસફાઈ કરી મગફળીના જથ્થાનો સંગ્રહ કરવાનું આયોજન કર્યું છે અને અહીં એક ગોડાઉનમાં મગફળીના જથ્થાનો સંગ્રહ પણ કરી દેવામાં આવ્યો છે. જેથી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ મોદીના નેતૃત્વમાં કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી એવું જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા ખરીદાઈ રહેલ મગફળીનો સંગ્રહ કરવા ગુજરાત મેરીટાઈમ બોર્ડના બંદરમાં આવેલ ગોડાઉનમાં મગફળી સંગ્રહ કરવાની કાર્યવાહી થઈ રહી છે, જેનો માચ્છીમાર સમાજ ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. બંદરમાં હાલમાં માચ્છીમારી દરમિયાન દરિયામાંથી પરત ફરતી બોટમાંથી ખરીદાયેલ માછલીઓ સ્થાનિક વેપારીઓ-એક્સપોર્ટરો દ્વારા જી.એમ.બી. વિભાગના ભાડાપેટે રાખેલા ગોડાઉનમાં વજન કરી, બરફ સંગ્રહ કરી મચ્છીનો જથ્થો એકત્રીત કરવામાં આવે છે ત્યારબાદ કોલ્ડસ્ટોરેજમાં વાહનના માધ્યમથી મોકલી અપાય છે.

આ મચ્છીના ગોડાઉનની બાજુમાં જ અમુક ખાલી ગોડાઉનોમાં મગફળીનો સ્ટોક સંગ્રહ કરવામાં આવે તો મગફળીમાં રહેલ જીવાતો તેમજ મગફળીમાં છંટકાવ કરવામાં આવતી દવાઓના કારણે બાજુના ગોડાઉનમાં જ સંગ્રહ કરાયેલ ખાવા માટે ઉપયોગમાં લેવાતી અને વિદેશમાં મોકલવામાં આવતી કિંમતી માછલીઓને ભયંકર રોગ તથા નુકસાનીની સંભાવના રહેતી હોય છે.

દેશને કરોડો રૂપીયાનું વિદેશી હુંડીયામણ માચ્છીમારોનો વ્યવસાય કમાવી આપે છે ત્યારે મગફળીના ગોડાઉનની બાજુમાં જ સંગ્રહ કરાયેલ કિંમતી માછલીઓમાં રોગચાળો આવે તો એક્સપોર્ટ દરમિયાન લાખો રૂપીયાની આર્થિક નુકસાની વેઠવી પડે છે.આ બાબતને ધ્યાને લઈ બંદરમાં મગફળીનો જથ્થો અન્ય જગ્યાએ રાખવા અને જી.એમ.બી. હસ્તકના ગોડાઉનો નહીં ફાળવવા ઉગ્ર માંગ કરી હતી.

માર્કેટીંગ યાર્ડનાં ગોડાઉનો છલકાઇ જતાં તંત્રએ મચ્છીનાં ગોડાઉનમાં મગફળીનો જથ્થો ઠાલવ્યો
માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ
પોરબંદર બોટ એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ મોદીએ એવું જણાવ્યું હતું કે, બંદરમાં ફિશીંગ દરમિયાન તાજી માછલીઓના જથ્થાને રાખવા માટેની પૂરતી જગ્યા નથી. જેથી માછલી રાખવા માટે સ્ટોરેજની જગ્યા ન હોવાથી વૈકલ્પીક સુવિધાના ભાગરૂપે ખૂલ્લી જગ્યાઓમાં સિમેન્ટના ધાબા બનાવી તેમના પર કંતાનના પડદા રાખીને હંગામી વ્યવસ્થા ઉભી કરી માચ્છીમારોની બોટનો માલ રાખવામાં આવી રહ્યો છે ત્યારે માછલી રાખવાની પૂરતી જગ્યા ન હોવા છતાં પણ મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી માચ્છીમારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યા છે.

સુત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર ગોડાઉન માલિકનો ઓફર લેટર આવેલ હોય અને પોરબંદરમાં અન્ય કોઈ ગોડાઉનની વ્યવસ્થા ન હોવાથી કલેક્ટરની જાણકારી હેઠળ અમદાવાદની ગુજકોટ કંપનીએ માછલીનું ગોડાઉન ભાડે રાખ્યું છે. ઉપરાંત ગત વર્ષ 2013 અને વર્ષ 2014 માં પણ મગફળીનો સંગ્રહ અહીં કરાયો હોવાનું જાણવા મળ્યું હતું.

બગડેલા માલની વિદેશમાં નિકાસ થાય તો દેશનું નામ પણ ખરાબ થાય છે
મગફળીના જથ્થામાં સંગ્રહ કરાયેલા ગોડાઉનની બાજુમાં જ તાજી માછલીના જથ્થાનો સંગ્રહ કરાય ત્યારે મગફળીમાં દવાનો છંટકાવ કરાયો હોય અને જીવજંતુઓ પણ હોય તેમજ ધૂળ ઉડતી હોવાથી તાજી માછલીઓમાં રોગ આવે અને માછલીઓ બગડી જતી હોય છે. આ બગડેલી માછલીઓને વિદેશમાં એક્સપોર્ટ કરાય તો દેશનું નામ પણ ખરાબ થાય છે અને એક્સપોર્ટર કંપનીને મોટા પાયે નુકસાની વેઠવી પડે છે.

ગોડાઉનમાં મગફળીના સંગ્રહ બાબતે ફિશ એક્સપોર્ટરએ શું કહ્યું ?
પોરબંદરમા માછલીના ગોડાઉન ખાતે મગફળીનો સંગ્રહ કરવાનું આયોજન કરાયું છે ત્યારે અમદાવાદની ગુજકોટ કંપનીએ કલેકટરની જાણકારી હેઠળ માછલીના ગોડાઉનમાં મગફળીનો સંગ્રહ કરવાની કામગીરી હાથ ધરી હોવાનું સૂત્રો માંથી જાણવા મળતા દિવ્યભાસ્કર દ્વારા કલેકટરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પરંતુ કલેકટરએ ફોન રિસીવ કર્યો ન હોવાના કારણે કોઈ પ્રકારનો પ્રત્યુતર મળ્યો ન હતો.

તંત્રનાં અણધડ નિર્ણય સામે સમગ્ર માછીમાર સમાજમાંથી ઉગ્ર વિરોધ
ગોડાઉનમાં મગફળીના સંગ્રહ બાબતે પોરબંદરના ફિશ એક્સપોર્ટરોએ એવું જણાવ્યું હતું કે, તેમનો માલ એટલા માટે રીજેક્ટ થઈ શકે છે કે મગફળીના ગોડાઉનમાંથી ધૂળ અને માટી પણ ઉડતી હોય છે. અને તે કિંમતી માછલીને નુકસાન કરી શકે છે. પોરબંદરમાં 10 જેટલા ગોડાઉનમાં મગફળી ભરવામાં આવશે તો તાજી માછલીને ભારે નુકસાન થશે અને તંત્રએ પણ આ નિર્ણય પોતાની રીતે લીધો છે જેથી તેના માટે પોર્ટ વિભાગ, ફિશરીઝ ખાતું, જિલ્લા વહીવટીતંત્ર અને ખેતીવિભાગ જવાબદાર છે. આથી તાત્કાલીક નિર્ણય લઈને આ પ્રકારની કામગીરી અટકાવવામાં આવે તેવી માંગ કરી હતી.

યોગ્ય નિર્ણય નહીં લેવાય તો માછીમારો આંદોલન કરશે
હાલ માછલીના જથ્થાને સંગ્રહ કરવાના ગોડાઉનમાં મગફળીના જથ્થાનો સંગ્રહ કરવાનું આયોજન કરાયું છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા અન્યસ્થળે મગફળીનો સંગ્રહ નહીં કરવામાં આવે તો માચ્છીમારો મેદાને ઉતરશે અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરશે તેવું બોટ એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ મોદીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...