• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - તંત્રએ ગણપતિ વિસર્જન માટે કુછડી ગામે 20x70 ફુટનો કૃત્રિમ કુંડ બનાવ્યો, સમુદ્ર કિનારે સખ્ત મનાઇ ફરમાવાઇ

તંત્રએ ગણપતિ વિસર્જન માટે કુછડી ગામે 20x70 ફુટનો કૃત્રિમ કુંડ બનાવ્યો, સમુદ્ર કિનારે સખ્ત મનાઇ ફરમાવાઇ

હાઈકોર્ટના આદેશ મુજબ ગણેશ ઉત્સવ અંગે પ્રતિબંધાત્મક આદેશ જારી, કલેક્ટરે જાહેરનામંુ બહાર પાડ્યું, ઉલંઘન કરનાર...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:10 AM
Porbandar - તંત્રએ ગણપતિ વિસર્જન માટે કુછડી ગામે 20x70 ફુટનો કૃત્રિમ કુંડ બનાવ્યો, સમુદ્ર કિનારે સખ્ત મનાઇ ફરમાવાઇ
પોરબંદરમાં દર વર્ષે શહેરમાં આવેલ ચોપાટી ખાતે સમુદ્રમાં ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવતું હોય છે અને અહીં જ્યારે ગણેશ વિસર્જનનો પ્રસંગ યોજવામાં આવે ત્યારે 3 કિલોમીટર સુધીના અંતરમાં ગણેશજીની મૂર્તિઓ ઢોલ-નગારા, ડી.જે. તથા હજ્જારોની સંખ્યામાં લોકોની લાંબી કતારો જોવા મળતી હોય છે. અને ચોપાટી ખાતે પણ તરવૈયાઓ સહિત ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે તંત્રએ સમુદ્રમાં ગણેશ વિસર્જન ન કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. હાઈકોર્ટના આદેશ મુજબ ગણેશ ઉત્સવ અંગે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા હોવાથી પોરબંદરથી દૂર આવેલ કુછડી ગામે 20 બાય 70 ફૂટનો ખાડો બનાવવામાં આવ્યો છે.

અને અહીં ગણેશ વિસર્જનનું આયોજન કરાયું છે. પાલિકા દ્વારા ફાયર સેફ્ટી, તરવૈયા તથા ટ્રાફિક ન સર્જાય તેની પૂરી વ્યવસ્થા કરાઈ છે તેમજ જ્યુબેલી પુલ ખાતે ટ્રેક્ટર સહિતના વાહનો રખાશે. જેમાં નગરજનો ગણેશજીની નાની પ્રતિમા મૂકશે જેથી નગરજનોને નાની મૂર્તિનું વિસર્જન કરવા માટે કુછડી સુધી લંબાવવું ન પડે અને જ્યુબેલી પર રખાયેલ વાહનોના માધ્યમથી પાલિકા દ્વારા કુછડી ખાતે ગણેશજીની નાની મૂર્તિઓનું વિસર્જન કરાશે. કુછડી ગામે બનાવાયેલ ખાડામાં સલામત રીતે ખાડાની અંદર સ્ટેચ્યુ ઉતારી શકાય તેવી પણ વ્યવસ્થા કરાઈ છે તેમ પોરબંદર નગર પાલિકા ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડએ જણાવ્યું હતું.

જાહેરનામું બહાર પાડ્યું હોવાને કારણે ગણેશ વિસર્જન કરવા માટે વિવિધ મંડળોના આયોજકો સહિત હજ્જારો ભાવિકોને પોરબંદરથી 20 કિલોમીટરના અંતરે આવેલ કુછડી ગામે જવું પડશે. પોરબંદરમાં વિવિધ મંડળો દ્વારા અંદાજે 350 જેટલી ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે અનેક ભાવિકોને ગણેશજીના વિસર્જન માટે કુછડી ગામ સુધી લંબાવવું પડશે. પોરબંદર જિલ્લામાં પણ ગણેશોત્સવ અંગે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. પી.ઓ.પી. ની પ્રતિમાનું નદી-તળાવ, સમુદ્રમાં વિસર્જન ન કરવા આદેશો જારી કરાયા હોવાથી કૃત્રિમ તળાવો બનાવી ભાવિકોને ગણેશ વિસર્જન કરવાની ફરજ પડી રહી છે. વધુમાં તંત્રએ ગણેશજીનું નદી-નાળા, તળાવમાં વિસર્જન કરવાને બદલે કિનારા પર જ પૂજન-અર્ચન કરી અને નદી-તળાવ, સમુદ્રના કિનારે જ મૂર્તિને રાખવા પણ જણાવવામાં આવ્યું હતું.

ચોપાટી ખાતે સમુદ્રમાં ગણેશ વિસર્જન નહી કરી શકાય

જાહેરનામાનાં અનુસંધાને ગણેશ ઉત્સવનું આયોજન કરતી વિવિધ સંસ્થાઓએ લીધેલ મંજુરીમાં પણ તેઓને ચોપાટી ખાતે સમુદ્રમાં વિસર્જન કરવાની મનાઈ ફરમાવાઈ છે અને જો ચોપાટી પાસે સમુદ્રકિનારે વિસર્જન કરવા માટે ધર્મપ્રેમીજનો ઉમટી પડશે તો પોલીસવિભાગ દ્વારા પણ તેમને સમજાવટભર્યા પ્રયાસોથી ગણેશ વિસર્જન ન કરવા માટે જણાવવામાં આવશે. જો સમજાવટભર્યા પ્રયાસોથી લોકો નહીં સમજે તો ગુન્હો પણ દાખલ થશે તેમ ડીવાયએસપી વી.કે. દેલવાડીયાએ જણાવ્યું હતું.

સમુદ્રમાં ગણેશ વિસર્જનની મનાઈ પણ કેમીકલયુક્ત પાણી ઠાલવવાની પરવાનગી : વાહ રે તંત્ર વાહ...!

પોરબંદરમાં બિરલા ફેક્ટરીનું કેમીકલયુક્ત પાણી સમુદ્રમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ પાણી ખૂબ જ ગરમ હોય અને ઘાતક કેમીકલયુક્ત પાણી હોવાને કારણે દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ થઈ રહ્યો છે. ત્યારે ધર્મપ્રેમીજનોને ગણેશ વિસર્જન માટે તંત્ર મનાઈ ફરમાવી રહ્યું છે પણ સમુદ્રમાં ઘાતક કેમીકલયુક્ત પાણી ઠાલવનાર અને દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ કરનાર ઉદ્યોગપતિઓ સામે ક્યારે કાર્યવાહી થશે ? તેવો સણસણતો સવાલ જાણીતા આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ અનિલ રાણીંગાએ ઉઠાવ્યો હતો.

X
Porbandar - તંત્રએ ગણપતિ વિસર્જન માટે કુછડી ગામે 20x70 ફુટનો કૃત્રિમ કુંડ બનાવ્યો, સમુદ્ર કિનારે સખ્ત મનાઇ ફરમાવાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App