તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રમાં એકમાત્ર પોરબંદરમાં હનુમાનજીની માતા અંજનીદેવી અને પુત્ર મકરધ્વજનું મંદિર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાન શ્રી રામના ભક્ત અને અજર અમર હનુમાનજીની જન્મજયંતીની આજે હનુમાનજીના વંશજોએ વસાવેલી પોરબંદર નગરીમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પોરબંદરના હનુમાનભક્તો આજે સૌરાષ્ટ્રમાં એકમાત્ર પોરબંદરમાં આવેલા હનુમાનજીની માતા અંજનીમાતાના મંદિરે અને પુત્ર મકરધ્વજના મંદિરે જઈ હનુમાનજીના આશિર્વાદ મેળવશે.1000 થી પણ વધુ વર્ષો પહેલા પોરબંદર શહેરની સ્થાપના ઘૂમલીથી આવેલા જેઠવા પરિવારે કરી હતી. આ જેઠવા પરિવાર હનુમાનજીના પ્રસ્વેદમાંથી ઉત્પન્ન થયેલા હનુમાનજીના પુત્ર મકરધ્વજના વંશજો હોવાનું જેઠવા પરિવારના અગ્રણી અને રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પોરબંદરના રાજવી પરિવાર જેઠવા પરિવારના ઈષ્ટદેવ હનુમાનજી હોવાથી તેઓના રાજચિન્હમાં પણ હનુમાનજીનું ચિત્ર અંકિત કરવામાં આવતું હતું અને જેઠવા વંશજ હનુમાનજીના વંશજ તરીકે હનુમાનજીની આરાધના કરતો આવે છે. અને એટલે જ અહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર પોરબંદરમાં હનુમાનજીના માતા અંજનીદેવીનું પૌરાણિક મંદિર છાંયાના ચાડેશ્વર મહાદેવની અંદર આવેલું છે. તો પોરબંદર નજીક ઓડદરમાં હનુમાનજીના પ્રસ્વેદમાંથી ઉત્પન્ન થયેલા હનુમાનજીના પુત્ર શ્રી મકરધ્વજનું પણ મંદિર આવેલું છે. પોરબંદરના રાજવી પરિવાર માટે હનુમાનજી તેમના આરાધ્ય દેવ હોવાથી પોરબંદરમાં હનુમાનજયંતીની ઉજવણી આઝાદી પૂર્વે ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવતી હતી અને આ ઉત્સવને રાજકીય ઉત્સવ તરીકે મનાવવામાં આવતો હતો અને તેથી જ પોરબંદરના લગભગ દરેક વિસ્તારમાં નાના-મોટા હનુમાનજીના મંદિરો આવેલા છે અને દર હનુમાનજયંતીએ આ તમામ હનુમાન મંદિરો અને હનુમાનજીની ડેરીઓમાં હોમ-હવન સાથે હનુમાનજયંતીની ઉજવણી કરવામાં આવે છે. તેમજ આ દિવસે ભક્તોને મહાપ્રસાદી લેવડાવવાની પ્રથા પણ ત્યારથી જ ચાલી આવે છે.

હનુમાન મંદિરમાં હજુ પણ તરે છે રામનામનો પથ્થર
માર્કેટીંગ યાર્ડની સામે આવેલા પૌરાણિક રોકડીયા હનુમાન તરીકે ઓળખાતા મંદિરમાં દાયકાઓથી પાણીમાં રાખવામાં આવેલો પૌરાણિક રામનામનો પથ્થર આજે પણ પાણીમાં તરે છે.

હનુમાનજયંતી નિમીતે પોરબંદરમાં મેળો ભરાશે
પોરબંદરમાં રાજાશાહીના વખતથી હનુમાનજયંતીનું અનેરૂં રાજકીય મહત્વ હોવાથી હનુમાનજયંતીના દિવસે પોરબંદરમાં દર વર્ષે મેળો ભરાય છે. તેવી જ રીતે આ વખતે પણ રોકડીયા હનુમાન મંદિર ખાતે સવારથી જ મેળો ભરાશે જેમાં હજારો ભાવિકો રાત સુધી ઉપસ્થિત રહી મેળાનો ભક્તિભાવપૂર્વક આનંદ માણશે.

અન્ય સમાચારો પણ છે...