તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં પાણી ડૂક્યા : રોજ થાય છે 6 બોર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં પીવાના પાણી માટે નગરજનોને વલખા મારવાની નોબત આવી છે. ચોમાસા દરમિયાન એક જ વખત વરસાદ પડ્યો હોવાને કારણે શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા ખંભાળા ડેમમાં પાણીનો જથ્થો ખાલીખમ થઈ ગયો છે અને ફોદાળા ડેમમાં પણ 15-20 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. પાલિકા દ્વારા શહેરને જરૂરીયાત મુજબ પીવાનું પાણી પૂરૂં પાડવામાં ન આવતું હોવાને કારણે નગરજનોને પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બની ગયું છે. પોરબંદરમાં દરરોજ પીવાનું પાણી મળી રહે એ માટે 6 જેટલા બોર ખોદાઈ રહ્યા છે. નગરજનો 20 ફૂટ બોર ખોદવા પાછળ 3500 થી વધુનો ખર્ચ કરી રહ્યા છે, છતાં પણ મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી પીવાલાયક આવતું નથી. શહેરમાં માત્ર લીમડા ચોક અને કુંભારવાડા આ બન્ને વિસ્તારને બાદ કરતા તમામ વિસ્તારોમાં ભૂગર્ભમાંથી ખારાશયુક્ત અને ભાંભરૂં પાણી આવે છે, જેથી આ પાણીનો લોકો પીવામાં ઉપયોગ કરી શકતા નથી. છતાં પણ નાછૂટકે લોકોને આ પાણી પીવાની ફરજ પડી રહી છે. પીવાલાયક પાણી ન હોવા છતાં પીવા માટે ઉપયોગ કરતા હોવાથી પાણીજન્ય રોગનો લોકો ભોગ બની રહ્યા છે.

કેટલા લોકો દ્વારા હાથથી 20 ફૂટ બોર કરવામાં કેટલો સમય લાગે ?
20 ફૂટ બોર કરવા પાછળ 4 કલાક મહેનત કરવી પડે છે. બોર બનાવવાવાળા 1 વ્યક્તિ અને નાડા ખેંચવાવાળા 5 વ્યક્તિ સહિત 6 લોકો બોર બનાવે છે. અમે દરરોજ 2 બોર શહેરમાં હાથથી બનાવીએ છીએ. ચનાભાઈ કરશનભાઈ કુછડીયા, હાથથી બોર બનાવનાર

મર્યાદાથી વધુ ઊંડો બોર ખોદાય તો ખારાશયુક્ત પાણી નીકળે

પોરબંદર શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં મર્યાદામુજબ બોર બનાવવો પડે છે. મર્યાદાથી વધુ ઊંડો બોર બની જાય તો ખારાશયુક્ત પાણી બોરમાંથી નીકળે છે. જેથી પાણીના દર્શન થયા બાદ 5 થી 7 ફૂટ જેટલી સરેરાશ ઊંડાઈ રાખવી પડે છે. પોરબંદરમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડ્યો હોવાથી પીવાનું પાણી શહેરમાં જરૂરીયાત મુજબ મળતું ન હોવાને કારણે લોકો ઠેર-ઠેર બોર કરાવી રહ્યા છે. ચાલુ વર્ષે બોર વધુ પ્રમાણમાં થઈ રહ્યા છે જેથી બોર બનાવવામાં ગત વર્ષ કરતા આ વર્ષે 20 ફૂટનો બોર કરવા માટે 500 રૂપીયાનો વધુ ખર્ચ કરવો પડે છે.

ક્યા વિસ્તારમાં કેટલા ફૂટે થાય પાણીના દર્શન ?
વિસ્તારનું નામ કેટલા ફૂટે પાણી આવે ? બનાવવાની મર્યાદા

ઝુરીબાગ 28 ફૂટ 32 ફૂટ

ખારવાવાડ 25 ફૂટ 30 ફૂટ

લીમડા ચોક 10 ફૂટ 16 ફૂટ

વાઘેશ્વરી પ્લોટ 15 ફૂટ 20 ફૂટ

છાંયા 16 ફૂટ 20 ફૂટ

કુંભારવાડા 9 ફૂટ 15 ફૂટ

ઠક્કરપ્લોટ 12 ફૂટ 20 ફૂટ

કીર્તિમંદિર 20 ફૂટ 32 ફૂટ

શીતલા ચોક 12 ફૂટ 20 ફૂટ

અન્ય સમાચારો પણ છે...