પાક. 355 ભારતીય માછીમારોને મુક્ત કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે અને અહીં દાયકાઓથી મત્સ્યોદ્યોગ ધમધમે છે જેમાં રાજ્યભરના ખલાસીઓ અહીં બોટમાં માછીમારી કામ માટે આવી પહોંચે છે. પરંતુ ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારામાં પોરબંદરનો સમુદ્ર દાયકાઓથી હમ્મેશા સંવેદનશીલ રહ્યો છે. કારણ કે પાકિસ્તાનના કરાંચી બંદરથી માત્ર 281 નોટીકલ માઈલ દૂર પોરબંદર અરબી સમુદ્રના કાંઠે વસેલું છે જેથી અહીંના સમુદ્રકિનારે અનેક આતંકી પ્રવૃત્તિઓ ભૂતકાળમાં થઈ ચૂકી છે. આ ઉપરાંત પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા પણ ભારતીય જળસીમામાં ઘૂસીને ભારતીય માછીમારોને મશીનગનના નાળચે બોટ સાથે બંધક બનાવવામાં આવી રહ્યા છે અને અહીંથી માછીમારોનું બોટ સાથે અપહરણ કરી પાકિસ્તાનની જેલમાં ખસેડવામાં આવે છે તેમજ ભારતીય બોટ પર અંધાધૂંધ ફાયરીંગ થતું હોવાના બનાવો પણ બને છે. સમયાંતરે પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલા ભારતીય માછીમારોને તો મુક્ત કરવામાં આવે છે પરંતુ બોટને મુક્ત કરવામાં આવતી નથી. ત્યારે પાકિસ્તાન સરકાર દ્વારા તાજેતરમાં 355 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી તા. 8 એપ્રિલથી ભારતીય માછીમારોને મુક્ત કરવાની શરૂઆત થશે અને ચાર તબક્કામાં ભારતીય માછીમારો વાઘા બોર્ડરથી વતન પહોંચશે તેવું પાકિસ્તાન-ઈન્ડીયા પીસ ફોરમ એન્ડ ડેમોક્રેસી સંસ્થાના કારોબારી સભ્ય જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું.

કુલ કેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનમાં કેદ છે ?
પાકિસ્તાનની જેલમાં 492 જેટલા ભારતીય માછીમારો કેદ છે. આ માછીમારો પૈકી સરકારે 355 માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આ માછીમારો મુક્ત થયા બાદ પણ 137 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ રહેશે જેથી તેની પણ મુક્તિ કરવામાં આવે તેવી માછીમાર અગ્રણીઓની માંગ ઉઠી છે.

8/4/2019

15/4/2019

22/4/2019

29/4/2019

કેટલી ભારતીય બોટ પાક. ના કબ્જામાં ?

પાકિસ્તાનના કબ્જામાં અંદાજે 1088 જેટલી ભારતીય બોટ છે. તેમાં પોરબંદરના બોટમાલિકોની 735 જેટલી બોટ પાકિસ્તાનમાં સબડી રહી છે. પાકિસ્તાનની સરકારે 2018 માં 22 જેટલી બોટ છોડવાનો નિર્ણય લીધો હતો પરંતુ હજુ સુધી બોટ પરત આવી નથી જેથી બોટને પણ છોડી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

5 સિવિલીયનોને પણ મુક્ત કરાશે
પાકિસ્તાન સરકાર દ્વારા 355 જેટલા માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે આ ઉપરાંત ભૂલથી બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાનમાં પહોંચેલા 5 જેટલા સિવિલયનોને પણ મુક્ત કરવામાં આવશે.

માછીમારો મુક્ત થવાના સમાચાર મળતા માછીમાર પરિવારોમાં આનંદ
પાક. સરકાર દ્વારા 355 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે જે સમાચાર વાયુવેગે ગુજરાતના દરિયાકાંઠે ફરી વળતા માછીમાર પરિવારોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...