તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસટી ડેપોમાં ભરઉનાળે પંખાઓ બંધ : પાણી માટે મુસાફરોનાં વલખાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાં એસ.ટી. બસ સ્ટેશનમાં ભર ઉનાળે પંખાઓ બંધ હોવાથી મુસાફરો તાપમાં શેકાયા હતા. પોરબંદરના એસ.ટી. બસ સ્ટેશનમાં મુસાફરોને પડતી મુશ્કેલીઓ અંગે અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે મંગળવારે બપોરે 1:30 વાગ્યે તમામ પંખાઓ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. એસ.ટી. વિભાગની ઉદાસીનતાને કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ધમધોકાર તાપ પડી રહ્યો છે. એસ.ટી. બસ સ્ટેશનમાં બપોરનાં સમયે પંખાઓ ચાલુ કરવામાં આવ્યા ન હતા. જેથી મુસાફરો અને વિદ્યાર્થીઓને ગરમીના તાપમાં શેકાવાનો વારો આવ્યો હતો. એસ.ટી. બસ સ્ટેશનનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું અને છત ઉપર લટકતા પંખાને બદલે દિવાલ પર પંખાઓ લગાડવામાં આવ્યા હતા. જેથી નીચે બેઠક પર બેઠેલા મુસાફરોને પંખાની હવા પણ ઓછી આવતી હોય છે. ત્યારે અવારનવાર એસ.ટી. તંત્ર દ્વારા 9 જેટલા પંખાઓ ચાલુ ન કરાતા મુસાફરો તડકે શેકાઈ રહ્યા છે.

છેલ્લા 3 દિવસથી પાણી ખેંચવાની ઈલેક્ટ્રીક મોટર બળી ગઈ હોવાને અહીં પાણી ન આવતું હોવાથી શૌચાલયોની પણ સફાઈ થતી નથી. પાણીના અભાવે શૌચાલયોની સફાઈ ન થતા ગંદકીથી મુસાફરો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

શું કહે છે વિદ્યાર્થીઓ ?
પોરબંદર એસ.ટી. બસ સ્ટેશનમાં અઠવાડીયામાં 4 દિવસ પંખાઓ બંધ હાલતમાં જ હોય છે. મન થાય ત્યારે પંખાઓ ચાલુ થાય છે. તડકામાં બફારો થાય છે, બસ આવે ત્યાં સુધી અમે અહીં બેસીએ છીએ. એકપણ પંખો ચાલુ નથી. આવું તો અવારનવાર બને છે.

અન્ય સમાચારો પણ છે...